આજે શહેરમાં ક્રાઈમને લગતી ત્રણ જુદી-જુદી ઘટનાઓ સામે આવી છે. જેમાં એક સ્થળેથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજી ઘટનામાં યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત નકલી પોલીસ બની રૂપિયા માંગતો શખ્સ પણ ઝડપાયો છે.
યુવતીનો મૃતદેહ મળી આવ્યો
શહેરના આનંદ નગર વિસ્તારમાં કોર્પોરેટ રોડ પર યુવતીનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. ઘટના આત્મહત્યા છે કે હત્યા આ અંગે આંદનગર પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રીજા માળેથી યુવતી નીચે પડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસનો કાફલો હાલ ઘટનાસ્થળે પહોંચ્યો છે. યુવતીના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે. મૃતદેહ રૂપાલી શ્રીવાસ્તવ નામની યુવતીનો હોવાનું જાણવા મળ્યું છે. એડવાન્ટમેડ નામની કંપનીમાં યુવતી કામ કરતી હતી જેનું આઈકાર્ડ પણ સામે આવ્યું છે.
યુવકનું ફિલ્મી ઢબે અપહરણ
અમદાવાદના નરોડામાં યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરાયું હોવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો છે. પરણિત મહિલા સાથે પ્રેમ સબંધ રાખતાં યુવકનું અપહરણ કરવામાં આવ્યું હોવાની વિગતો જાણવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે મહિલાનો પતિ તેની સાથે ત્રણ શખ્શોને લઈને યુવકના ઘરે પોહચ્યો હતો અને યુવકને ધમકી આપી યુવકનું અપહરણ કરીને લઈ જવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે નરોડા પોલીસે યુવકના પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નકલી પોલીસની ધરપકડ
સાબરમતી વિસ્તારના એક યુવક પાસે પોલીસની ખોટી ઓળખ આપી પૈસાની માંગણી કર્યાનું જાણવા મળ્યું છે. મહેસાણાના પીઆઇ બ્રહ્મભટ્ટની ઓળખ આપી 20 હજાર માંગ્યા હોવાની વિગતો મળી હતી. ફેક આઇડીથી યુવતી બનીને વાત કરી યુવકના ઘરે પોલીસ મોકલવાની ધમકી આપી અને પછી રૂપિયાની માંગણી કરી હતી.
નકલી પોલીસે યુવકને પૈસા લેવા સરનામુ ન આપી ઓનલાઇન ટ્રાન્સફર કરવાનું કહેતા યુવકને શંકા ગઈ હતી. યુવકે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા તરુણ બારોટ નામના નકલી પોલીસની સાબરમતી પોલીસે ધરપકડ કરી છે. આરોપી અનેક લોકો સાથે ફેક આઇડીથી વાતો કરી પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.