અમદાવાદમાં ગત બુધવારે રાત્રે ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલો અકસ્માત હજુ ભૂલાયો નથી ત્યાં શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. શહેરના મણીનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે નશામાં ધૂત નબીરાએ બેફામ કાર ચલાવી બાંકડા પર કાર ઘુસાડી દીધી હતી. જોકે, બાંકડા પર બેસેલા ત્રણ લોકો સમય સૂચકતા વાપરી બાંકડાથી દૂર ખસી જતાં જાનહાની ટળી હતી. આ અકસ્માતમાં નશામાં ધૂત નબીરાની કાર ચારથી પાંચ પલટી મારી ગઈ હતી. તો ગાડીમાંથી દારૂ અને બિયરની બોટલ પણ મળી આવી હતી.
અમદાવાદમાં જાહેર રસ્તા પર લોકોનો ફરવું અને બેસવું જોખમી બન્યું છે.અકસ્માતની ઘટનામાં બચેલા અને પ્રત્યક્ષદર્શીએ વાતચીત કરી. તેઓએ જણાવ્યું કે, ગઇકાલે રાત્રે મારો નવો જન્મ થયો એવું લાગ્યું છે. જો હું સમયસર બાંકડા પરથી દૂર ન ગયો હોત તો મારું મોત નક્કી થઈ ગયું હોત. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, હવે ડર લાગવા લાગ્યો છે.