Satya Tv News

અમાદવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ દ્વારા તથ્ય પટેલ અને કારમાં સવાર તેના મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અકસ્માત સમયે કારમાં સવાર આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલની પૂછપરછ કરવામાં આવી છે. તો બીજી બાજુ તથ્યની પણ પોલીસ અલગથી પૂછપરછ કરી રહી છે. પોલીસ તપાસ વચ્ચે તથ્ય પટેલની સાથે કારમાં સવાર યુવતીએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

માલવિકા પટેલની નામની યુવતીએ પોલીસ તપાસ વચ્ચે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું છે. પોલીસ તપાસ વચ્ચે માલવિકા પટેલે 13 હજાર ફોલોવર્સ ધરાવતુ એકાઉન્ટ ડિલીટ કરી નાખતા અનેક સવાલો ઉભા થયા છે. માલવિકા પટેલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તથ્ય પટેલના કારનામાના અનેક ફોટો અને વીડિયો હતા. તપાસમાં માલવિકા પટેલની પણ યુટ્યુબ ચેનલ હોવાનું સામે આવ્યું છે. હાલ આ યુવતીએ એકાઉન્ટ કેમ ડિલીટ કર્યું એ એક તપાસનો વિષય છે.

તથ્યના મિત્રોએ પોલીસને કહ્યું છે કે તથ્યને પહેલેથી જ રફ ડ્રાઈવિંગ કરવાની ટેવ છે. તેણે 15 દિવસ પહેલા પણ અકસ્માત સર્જો હોવાનો ખુલાસો તેના મિત્રોએ જ કર્યો છે. તેણે 15 દિવસ અગાઉ થાર ગાડી કેફેની દીવાલમાં ઘુસાડી દીધી હતી. આ ઘટનામાં કેફે માલિક સાથે સમાધાન થતાં ફરિયાદ કરવામાં આવી ન હતી. પોલીસની પૂછપરછમાં તેઓએ એવું પણ કહ્યું છે કે, ‘અમે તો તેને કહ્યું જ હતું કે ગાડી ધીમી ચલાવ, પણ એને વાત ન માની અને ગાડીમાં મ્યુઝિક પણ વધારી દીધો હતો’

તો બીજી બાજુ તથ્યએ દોષોનો ટોપલો ગાડીમાં સવાર મિત્રો પર જ ઠોકી દીધો છે. જેના વિશે જણાવતા પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, તથ્યએ પોલીસની પૂછપરછમાં તેના મિત્રો એક બીજાને ગલીપચી કરીને મસ્તી કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. તેણે કહ્યું છે કે ‘ગાડીમાં મોટે મોટેથી મ્યુઝિક વાગી રહ્યું હતું, ગીતના તાલે હાથ ઊંચા કરી કરીને નાચી રહ્યા હતા. મારી પાછળથી મિત્રોએ ગલીપચી ચાલુ કરી દીધી અને વાળ પણ ખેંચ્યા, મેં ના પાડી કે આવું ના કરશો તો પણ ચાલુ રાખ્યું હતું. ઉપરથી અંધારું હતું એટલે કશું જોઈ શકાયું નહીં અને પછી ખબર પડી કે ટોળાની વચ્ચેથી ગાડી પસાર થઈ ગઈ છે. મને ટોળું દેખાયું જ નહીં એટલે સમયથી બ્રેક મારી શક્યો નહીં.’ તથ્ય એમ પણ દાવો કર્યો કે, અંધારાના કારણે મને કોઈ માણસો દેખાયા જ નહીં.

error: