Satya Tv News

પાકિસ્તાની મહિલા સીમા હૈદર તેના PUBG મિત્રને મળવા ભારત આવ્યા બાદ હવે એનાથી તદ્દન ઉલટી ઘટના સામે આવઇ છે. વાત જાણે એમ છે કે, 35 વર્ષીય અંજુ નામની ભારતીય યુવતી તેના ફેસબુક મિત્ર 29 વર્ષીય નસરુલ્લા ખાનને મળવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પહોંચી છે. વિગતો મુજબ નસરુલ્લાહ પહેલા સ્કૂલ ટીચર હતા, પરંતુ હાલમાં તે દિર શહેરમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ ​​તરીકે કામ કરે છે. બંનેએ પુષ્ટિ કરી છે કે, તેઓ સોશિયલ મીડિયા પર મળ્યા હતા અને છોકરી તેને મળવા માટે સરહદ પાર ખૈબર પખ્તુનખ્વા ગઈ હતી. આ દરમિયાન પાકિસ્તાની અધિકારીઓએ પણ યુવતીના સંબંધમાં તપાસ ચાલી રહી હોવાની પુષ્ટિ કરી છે. હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે અને સુરક્ષા એજન્સીઓ તેની વધુ તપાસ કરી રહી છે.

અંજુ અને નસરુલ્લા ચાર વર્ષ પહેલા ફેસબુક પર મિત્ર બન્યા હતા. આ મિત્રતા પાછળથી પ્રેમમાં બદલાઈ ગઈ. એક ખાનગી ન્યૂઝ ચેનલ અનુસાર અંજુ શુક્રવારે એટલે કે 21 જૂને પાકિસ્તાન પહોંચી હતી. અપર ડીર પોલીસે રવિવારે પુષ્ટિ કરી હતી કે, ભારતીય મહિલા મલાકંદ ડિવિઝનના જિલ્લામાં હતી. વિઝા માહિતી ફોર્મમાં જણાવાયું છે કે, અંજુને અપર ડીર શહેરમાં 30 દિવસ રહેવાની મંજૂરી આપવામાં આવી છે.

જ્યારે પણ કોઈ ભારતીય નાગરિક પાકિસ્તાનની મુસાફરી કરે છે, ત્યારે તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનની મુલાકાત લેવી પડે છે અને તેમના પ્રવાસ દસ્તાવેજો બતાવવા પડે છે. અપર ડીરના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અંજુના પ્રવાસ દસ્તાવેજો માન્ય હોવાનું જાણવા મળ્યું છે. અપર ડીરના એસએચઓ જાવેદ ખાને જણાવ્યું હતું કે, અંજુ પાસે વિઝા છે અને તે કાયદેસર રીતે પાકિસ્તાનમાં પ્રવેશી છે. પોલીસ અધિકારીએ એ પણ પુષ્ટિ કરી કે, તેમની પ્રાથમિક તપાસ મુજબ મહિલા અને નસરુલ્લા છેલ્લા ચાર વર્ષથી મિત્રો હતા. તેણે જણાવ્યું કે મહિલા વાઘા થઈને પાકિસ્તાન અને પછી ઈસ્લામાબાદ ગઈ.

નસરુલ્લાએ કહ્યું કે, તેમને વિઝા પ્રક્રિયા પૂર્ણ કરવામાં બે વર્ષ લાગ્યાં. તેઓએ નક્કી કર્યું હતું કે, લગ્ન અંગે અંતિમ નિર્ણય લેતા પહેલા અંજુ પાકિસ્તાનમાં તેના પરિવારને મળશે. તેનો પરિવાર અંજુની પાકિસ્તાન મુલાકાતનું દિલથી સ્વાગત કરી રહ્યો છે. માત્ર પરિવાર જ નહીં પરંતુ તેઓએ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓને પણ સમજાવવું પડ્યું હતું કે તેમને મુલાકાત લેવાનો સંપૂર્ણ અધિકાર છે. અંજુએ દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની મુલાકાત લીધી અને નસરુલ્લાએ ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ અને આંતરિક મંત્રાલયોના કાર્યાલયોની મુલાકાત લીધી.

નસરુલ્લાએ કહ્યું કે, ધર્મ તેની કહાનીમાં અવરોધ નથી. તેણે ખાનગી મીડિયાને કહ્યું કે, અંજુ ઈસ્લામ અંગીકાર કરે કે નહીં, તે તેનો એકલાનો નિર્ણય છે અને તે આ નિર્ણયનું સન્માન કરશે. સ્થાનિક લોકોએ અપર ડીરમાં અંજુની હાજરી વિશે સકારાત્મક અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું કે તે પશ્તુનની મહેમાન અને વહુ છે.

error: