Satya Tv News

આજે દેશભરમાં શોકના જુલૂસ કાઢવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઝારખંડના બોકારોથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બોકારોમાં મોહરમ પર કાઢવામાં આવી રહેલા તાજિયા જુલૂસ હાઈ ટેન્શન વાયરની પકડમાં આવી જતાં બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. વીજળીના ઝટકાથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ ઘટના શનિવારે સવારે લગભગ 6 વાગ્યે બોકારોના બર્મો વિસ્તારના ખટકોમાં બની હતી. અહીં લોકો તાજીયા જુલુસ કાઢી રહ્યા હતા તે દરમિયાન તાજિયા 11000 વોલ્ટના વાયરના સંપર્કમાં આવ્યા હતા. જેના કારણે તાજિયા જુલુસમાં રાખવામાં આવેલી બેટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો અને તેની આસપાસ આવતા અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતના પગલે થોડીવાર માટે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

આ તરફ સ્થાનિક લોકોની મદદથી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ડીવીસી બોકારો થર્મલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આ દરમિયાન એમ્બ્યુલન્સની ગેરહાજરી અને હોસ્પિટલમાં ગેરવહીવટના કારણે લોકોએ હોબાળો મચાવ્યો હતો.

error: