મહારાષ્ટ્રના નાગપુરમાં બે વેપારીની ગોળી મારી હત્યા કરવા, તેમની લાશને સળગાવી દેવાના અને વર્ધા નદીમાં ફેંકી દેવાના આરોપસર પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે. બ્લેક ટું વ્હાઇટ મની એક્સચેન્જના વિવાદમાં આ ડબલ મર્ડર કરાયા હતા. આરોપીઓએ તેમની પાસેના રૃા.૨.૮૦ કરોડ બ્લેક મનીને વ્હાઈટમાં ફેરવવાનું કહી વેપારીઓને ફસાવ્યા હતા.
બિઝનેસમેન નિરાલા જયપ્રકાશ સિંહ (ઉ.વ.૪૩) અને અમરીશ ગોળે (ઉ.વ.૪૧) ૨૫ જુલાઇના ગુમ થવાની જાણ થયા બાદ પોલીસે શોધખોળ શરૃ કરી હતી. તળેગાવ વિસ્તારમાં નિરાલાની અડધી સળગી ગયેલી લાશ મળી હતી. સીસીટીવી ફૂટેજ અને અન્ય ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે પોલીસને વધુ માહિતી મળી હતી. આમ ગુનામાં માસ્ટરમાઇન્ડ મકાર અને અન્ય આરોપી ઝડપાઇ ગયાહતા.
આરોપીએ તેમની પાસે રૃા.૨.૮૦ કરોડ બ્લેકમની હોવાનું કહ્યું હતું. આ રકમના બદલે વેપારી અમરીશ અને નિરાલા તેમને રૃા.૧.૫૦ કરોડ વ્હાઇટમની આપવાની હતા. આરોપીઓએ તેમને રૃા.૧.૫ કરોડનો ડીડી તૈયાર કરવા જણાવ્યું હતું.
ત્યાર બાદ તે ગુરુવારે બપોરે નાગપુરમાં સિવિલ લાઇન પરિસરમાં આરોપીને મળ્યા હતા. તેઓ પૈસા આપવાને બહાને વેપારીને કોંઢાળી ગામ નજીક એક આરોપીના ફાર્મહાઉસમાં લઇ ગયા હતા. જ્યાં બંન્ને એક રૃમમાં બેસાડી રાખ્યા હતા. પછી આરોપીએ વેપારી પાસેથી ડીડી લીધા બાદ પૈસા આપવાની ના પાડી દીધી હતી.
તેમના વચ્ચે વિવાદ થયો હતો ત્યારે આરોપીએ બંનેની ગોળી મારીને હત્યા કરી હતી. પછી પેટ્રોલ રેડીની લાશ સળગાવવાનો પ્રયત્ન કર્યોહતો. ત્યારબાદ બંનેની લાશ નદીમાં ફેંકી પુરાવાનો નાશ કર્યો હતો.