શોભાયાત્રા પહેલા વરુણ સિંગલા રજા પર ઉતરી ગયા હતા. તેમની જગ્યાએ નરેન્દ્ર બિજરનિયા નવા એસપી બનશે. આ સાથે બિટ્ટુ બજરંગી પર વાયરલ વીડિયોના સંબંધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયેલા 2300 વીડિયોની ઓળખ કરી છે. પોલીસનું માનવું છે કે આ વીડિયોએ હિંસા ભડકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હરિયાણાના મેવાત-નુહમાં રમખાણો બાદ હવે પોલીસ સફાળી જાગી છે. રમખાણોની પ્રારંભિક તપાસ બાદ પોલીસે રોહિંગ્યાઓ અને નૂહમાં ગેરકાયદે ઘૂસણખોરો વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તાવડુ રોહિંગ્યાઓના ગેરકાયદે કબજા અને ગેરકાયદે ઘૂસણખોરો પર બુલડોઝર ચલાવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો હિંસામાં સામેલ હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ રોહિંગ્યાઓએ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. આટલું જ નહીં પ્રારંભિક તપાસમાં આ લોકો હિંસામાં સામેલ હોવાનું જણાયું હતું. આવી સ્થિતિમાં પોલીસે ગુરુવારે સાંજે ગેરકાયદેસર અતિક્રમણ પર બુલડોઝર ફેરવી દીધું હતું.
હરિયાણામાં હિંસા બાદ નુહ 46, ફરીદાબાદ 3, ગુરુગ્રામ 23, પલવલ 18, રેવાડી 3 ફરિયાદ નોંધાઈ છે. આ સાથે 176 લોકોની ધરપકડ પણ કરાઇ છે. હરિયાણા સરકારના ગૃહના અધિક મુખ્ય સચિવ ટીવીએસએન પ્રસાદે લોકોને ખાતરી આપી કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા પ્રવૃતિઓનો સામનો કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે સરકાર પર્યાપ્ત દળો સાથે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે, રાજ્યભરમાં અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ તૈનાત છે. નૂહમાં કર્ફ્યુ ચાલુ છે. આ સિવાય ઇન્ટરનેટ પણ બંધ છે. નૂહ સિવાય ફરીદાબાદ, પલવલ, સોહના, પટૌડી અને ગુરુગ્રામના માનેસરમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે નૂહ, સોહના અને ગુરુગ્રામમાં મુસ્લિમ સમુદાયે ઘરે જ નમાઝ અદા કરવાનો નિર્ણય લીધો છે.