Satya Tv News

3 ઓગસ્ટ રાષ્ટ્રીય અંગદાન દિને જ સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. બે દિવસમાં બે અંગદાન થતા રાષ્ટ્રીય અંગદાન દિનની ઉજવણી સાર્થક થઈ છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચરી ગામના ખેડૂત રોહિતભાઈ રામુભાઈ પટેલ બ્રેઈનડેડ થતા તેમની બે કિડની અને લિવરના દાનથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.

ચીખલીના ચરી ગામ નિવાસી 55 વર્ષીય રોહિતભાઈ ખેડૂત છે અને પત્ની રમીલાબેન સાથે રહેતા હતા. ગત 1 ઓગસ્ટે સવારે તેઓ બાઈક પર મુળી ગામ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ગભરામણ થતાં રોડસાઈડે બાઈક થોભાવી નીચે બેસી ગયા હતાં. કોઈ અજાણ્યા વ્યક્તિએ મદદ કરી તેઓને ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં સવારે સારવાર માટે દાખલ કર્યા હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરે 108 ઈમરજન્સીમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ સઘન સારવાર અર્થે રિફર કર્યા હતા.

રોહિતભાઇનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા 3 ઓગસ્ટના રોજ વહેલી સવારે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પટેલ પરિવારના સભ્યોને સોટોની ટીમે અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો રોહિતભાઈના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. ખાસ કરીને ફ્લેર પેનની કંપનીમાં નોકરી કરતી રોહિતભાઈની દીકરી અલ્કાબેને ‘પિતાના અંગોનું દાન જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે’ એમ જણાવીને આગળ વધવા સંમતિ આપી હતી.

આજે બ્રેઈનડેડ રોહિતભાઈની કિડની અને લીવરનું દાન સ્વીકારી ત્રણે અંગોને I.K.D. હોસ્પિટલ-અમદાવાદ ખાતે લઈ જવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 39મું અંગદાન થયું છે એમ જણાવી ડો.ગોવેકરે રાષ્ટ્રીય અંગદાન દિને અંગદાનનો નિર્ણય લઇ પ્રેરણાદાયી પગલું ભરનાર પટેલ પરિવારનો અભાર વ્યક્ત કર્યો હતો.

error: