મુંબઈ માં બેસ્ટના કોન્ટ્રેક્ટ ડ્રાઈવરોની ઉગ્ર બનેલી હડતાળ સળંગ ત્રીજા દિવસે શુક્રવારે ચાલુ રહી હતી. જેને લીધે અંદાજે દોઢ હજાર જેટલી બસ સેવાઓ ઠપ થઈ હતી અને પ્રવાસીઓ પરેશાન થયા હતા.
બેસ્ટએ જણાવ્યું હતું કે ૧,૬૭૧ ખાનગી બસોમાંથી ૧,૩૭૫ જેટલી બસો કોલાબા, વરલી, મજાસ, શિવાજી નગર, ઘાટકોપર, દેવનાર, મુલુંડ, સાંતાક્ઝ, ઓશિવારા અને મગાથાણે સહિત ૨૦ ડેપોમાંથી સવારથી નીકળી ન હતી. એક વરિ અધિકારીએ જણાવ્યું હતું કે પગાર વધારા અને અન્ય માગણીઓ માટે ખાનગી બસ ઓપરેટરોના ડ્રાઇવરોની હડતાળ ત્રીજા દિવસે ઉગ્ર બની હતી. બેસ્ટના ચાર મોટા ખાનગી બસ ઓપરેટરો – માતેશ્વરી, એસએમટી, હંસા અને ટાટા મોટર્સના મોટાભાગના ડ્રાઇવરો ગુરુવારે હડતાલમાં જોડાયા હતા.
હડતાલના પહેલા દિવસે માત્ર ૧૬૦ લીઝ બસો રસ્તા પર દેખાઈ ન હતી, પરંતુ બુધવારે બીજા દિવસે આ સંખ્યા ૧૦૦૦ને પાર કરી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાટકોપર, મુલુંડ, શિવાજી નગર, વરલી અને અન્ય ડેપોમાં બેસ્ટની વેટ લીઝ્ડ બસોની કામગીરીમાં ભારે અવરોધ ઊભો થયો હતો. ખાનગી ઓપરેટરોને શક્ય તેટલી વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો આદેશ આપવામાં આવ્યો છે અને લીઝ કરારના નિયમો અને શરતો અનુસાર આ કંપનીઓ સામે જરૃરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.