જમ્મુ-કાશ્મીરના પૂંછમાં રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યે આતંકીઓએ LOC પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ તરફ સુરક્ષા દળોને આ અંગેનો સંકેત મળ્યો અને તેમણે ગોળીબારમાં એક ઘૂસણખોરને ઠાર માર્યો. આ ફાયરિંગમાં અન્ય એક ઘુસણખોર ઘાયલ થયો હતો જેની શોધ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓને શોધવા માટે આ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના હલ્લાન જંગલ વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારોમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળી હતી, ત્યારબાદ સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું, ત્યારબાદ જવાનોએ ક્રોસ ફાયરિંગ કર્યું અને આ સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું. તેઓએ જણાવ્યું કે, ફાયરિંગની આ ઘટનામાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન તેઓના મૃત્યુ થયા છે.
આ એ વિસ્તાર છે જેને છેલ્લા લગભગ બે દાયકાથી આતંકવાદ મુક્ત માનવામાં આવતો હતો. આ વર્ષની શરૂઆતમાં પણ આતંકવાદીઓએ રાજૌરીમાં હિન્દુ પરિવારોને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન 7 નિર્દોષ લોકો માર્યા ગયા હતા અને એક ડઝનથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.