રાહુલ ગાંધીના એક નિવેદનને કારણે ચાર મહિના પહેલા 24 માર્ચે તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની 2 વર્ષની સજા પર સ્ટે મૂક્યા બાદ સોમવારે તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીની સદસ્યતા 24 માર્ચે રદ કરવામાં આવી હતી. સુરત કોર્ટ દ્વારા ‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા. જેમાં તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. કાયદા મુજબ બે વર્ષ કે તેથી વધુ સજા થાય તો લોકપ્રતિનિધિનું સભ્યપદ રદ્દ થઈ જાય છે.
મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે 26 જુલાઈએ કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ મોદી સરકાર વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિપક્ષ મણિપુર હિંસા પર સતત પીએમ મોદીના નિવેદનની સાથે વિગતવાર ચર્ચાની માંગ કરી રહ્યો છે. વાસ્તવમાં વિપક્ષ ઈચ્છે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર મુદ્દે સંસદને સંબોધિત કરે. લોકસભાની કારોબારી સલાહકાર સમિતિએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે. પીએમ મોદી 10 ઓગસ્ટે આ પ્રસ્તાવનો જવાબ આપશે.
આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવાને કારણે ભાજપની સહયોગી પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી એનડીએથી અલગ થઈ ગઈ છે. આ પછી મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો .પરંતુ આ પ્રસ્તાવ પર 12 કલાકની ચર્ચા બાદ મોદી સરકારે અવિશ્વાસ પ્રસ્તાવને 199 મતોથી હરાવ્યો હતો. આ દરમિયાન ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને 325 મતો મળ્યા હતા, જ્યારે વિપક્ષને આ પ્રસ્તાવના પક્ષમાં માત્ર 126 મતો મળ્યા હતા.
હવે 2023માં મોદી સરકાર ફરી એકવાર અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા તૈયાર છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા બપોરે 12 વાગ્યે શરૂ થશે અને સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. 10 ઓગસ્ટ સુધી નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચર્ચા થશે. 10 ઓગસ્ટે જ ચર્ચાના છેલ્લા દિવસે પીએમ મોદી સાંજે 4 વાગ્યે અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપશે.