Satya Tv News

ગુજરાતમાં નિવાસ કરતાં અંદાજે 89.17 લાખ આદિજાતિઓના શૈક્ષણિક, આર્થિક, આરોગ્યલક્ષી અને સામાજિક સહિત સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સંકલ્પબદ્ધ છે. ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીના 14 જિલ્લામાં અંદાજે 29 લાખથી વધુ આદિજાતિ સમુદાયના વિદ્યાર્થી ભાઈ- બહેનોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે શૈક્ષણિક યોજનાઓ હેઠળ વાર્ષિક રૂ. 72,719 લાખની વિવિધ સ્વરૂપે સહાય આપવામાં આવી છે. જ્યારે રાજ્યભરની આદિજાતિની 1,952 જેટલી શાળાઓ-છાત્રાલયોમાં અંદાજે 2.16 લાખ જેટલા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે નિવાસી શિક્ષણ ગ્રહણ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આદિજાતિ વિકાસ મંત્રી ડૉ.કુબેર ડિંડોર તેમજ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના માર્ગદર્શનમાં ચાલુ વર્ષ 2023-24માં આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાં કુલ રૂ. 3,410 કરોડની જોગવાઇમાંથી સૌથી વધુ રૂ.2,294.29 કરોડની રકમ માત્રને માત્ર શૈક્ષણિક ઉત્કર્ષ માટે જ ફાળવવામાં આવી છે જે સરકારની આદિવાસી શિક્ષણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તાપીના ગુણસદા સહિત 14 જિલ્લાઓમાં મંત્રીઓની ઉપસ્થિતિમાં 9 ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નિર્ણાયક નેતૃત્વના પરિણામે અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટીનાં 14 જિલ્લાના આદિવાસી શહેરો-ગામોમાં વિકાસની નવતર પરિભાષા અંકિત થઇ છે. આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટેની ‘વન બંધુ કલ્યાણ યોજના-2’ હેઠળ વર્ષ 2021-22થી 2025-26 સુધીમાં રૂ.1 લાખ કરોડની અંદાજપત્રિય જાહેરાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કરવામાં આવી છે. વૈશ્વિક સ્તરે આદિવાસીઓના સર્વાંગીણ ઉત્થાન માટે યુનાઇટેડ નેશન્સ-UN ના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ દ્વારા દર વર્ષે તા.9 ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’તરીકે ઉજવવામાં આવે છે. આ માટે વર્ષ 2023માં ‘Indigenous Youth as Agents of change for Self determination’ વિષયક થીમ નક્કી કરવામાં આવી છે.

આદિજાતિ વિદ્યાર્થીઓના ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપનાં સાકાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા NEET, JEE Mains તેમજ JEE Advanceના કોચિંગ માટે સહાય આપવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપ વર્ષ 2023માં 592 આદિજાતિ વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ માટેની NEET જ્યારે IIT જેવી ઉચ્ચ ઇજનેરી સંસ્થાઓમાં પ્રવેશ માટેની JEE Mainsમાં 83 અને JEE Advance પરીક્ષામાં છ વિદ્યાર્થીઓ સફળ થયા છે. આ ઉપરાંત વિદેશ અભ્યાસ માટે લોન યોજનામાં વર્ષ 2022-23માં 48 આદિજાતિ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે. આમ,ગુજરાતના છેવાડાના આદિજાતિ વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક યોજનાઓ થકી ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ, રહેવા માટે સુવિધાયુક્ત હોસ્ટેલ, વિના મૂલ્યે પૌષ્ટિક ભોજન, સાયકલ સહાય, ગણવેશ સહાય, શૈક્ષણિક સાધન સહાય તેમજ રાજ્ય – કેન્દ્ર પુરસ્કૃત વિવિધ શિષ્યવૃત્તિ આપીને સાચા અર્થમાં શિક્ષણ માટે પ્રેરિત કરવાનો ‘શિક્ષણ યજ્ઞ’ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. જેનો આદિજાતિ વિસ્તારના છેવાડાના લાખો વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉત્સાહભેર લાભ લઈને તેમની અને ગુજરાતની આવતીકાલ ઉજ્જવળ બનાવી રહ્યા છે જે અન્ય માટે પ્રેરણાસ્રોત છે.

error: