Satya Tv News

સમગ્ર ગુજરાતમાં અંદાજે 29 લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થી ભાઈ-બહેનોના ‘શૈક્ષણિક ઉત્કર્ષ’માટે વાર્ષિક રૂ.72,719 લાખની સહાય અપાઈ

ગુજરાતમાં નિવાસ કરતાં અંદાજે 89.17 લાખ આદિજાતિઓના શૈક્ષણિક, આર્થિક, આરોગ્યલક્ષી અને સામાજિક સહિત સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સંકલ્પબદ્ધ છે. ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીના 14 જિલ્લામાં અંદાજે 29 લાખથી વધુ આદિજાતિ સમુદાયના વિદ્યાર્થી ભાઈ- બહેનોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે શૈક્ષણિક યોજનાઓ હેઠળ વાર્ષિક રૂ. 72,719 લાખની વિવિધ સ્વરૂપે સહાય આપવામાં આવી છે. જ્યારે રાજ્યભરની આદિજાતિની 1,952 જેટલી શાળાઓ-છાત્રાલયોમાં અંદાજે 2.16 લાખ જેટલા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે નિવાસી શિક્ષણ ગ્રહણ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આદિજાતિ વિકાસ મંત્રી ડૉ.કુબેર ડિંડોર તેમજ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિના માર્ગદર્શનમાં ચાલુ વર્ષ 2023-24માં આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાં કુલ રૂ. 3,410 કરોડની જોગવાઇમાંથી સૌથી વધુ રૂ.2,294.29 કરોડની રકમ માત્રને માત્ર શૈક્ષણિક ઉત્કર્ષ માટે જ ફાળવવામાં આવી છે જે સરકારની આદિવાસી શિક્ષણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ગુજરાતમાં 18 ટકા વિસ્તારના 14 જિલ્લાઓના 53 તાલુકાઓ અંતર્ગત 5,884 ગામોમાં આદિજાતિ સમુદાયના નાગરિકો નિવાસ કરે છે. આ સમુદાયના વિદ્યાર્થી ભાઇ-બહેનોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે રાજ્યભરમાં કાર્યરત 44 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં 14,620 અને 43 કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં 15,121 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે. આ ઉપરાંત બે સૈનિક સ્કૂલમાં 790, વિવિધ 12 મોડેલ સ્કૂલમાં 5,520 રાજ્યની 75 આદર્શ નિવાસી શાળાઓમાં 11,700 જ્યારે 175 સરકારી છાત્રાલયોમાં 19,340, ગ્રાન્ટ ઇન એઇડ 920 છાત્રાલયોમાં 50,566, વિવિધ 20 સમરસ છાત્રાલયોમાં 3,900 જ્યારે રાજ્યની 661 આશ્રમ શાળાઓમાં 96,700 એમ કુલ 2,16,000 વિદ્યાર્થીઓ વિવિધ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.આમ,ગુજરાતના છેવાડાના આદિજાતિ વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક યોજનાઓ થકી ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ, રહેવા માટે સુવિધાયુક્ત હોસ્ટેલ, વિના મૂલ્યે પૌષ્ટિક ભોજન, સાયકલ સહાય, ગણવેશ સહાય, શૈક્ષણિક સાધન સહાય તેમજ રાજ્ય – કેન્દ્ર પુરસ્કૃત વિવિધ શિષ્યવૃત્તિ આપીને સાચા અર્થમાં શિક્ષણ માટે પ્રેરિત કરવાનો ‘શિક્ષણ યજ્ઞ’ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. જેનો આદિજાતિ વિસ્તારના છેવાડાના લાખો વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉત્સાહભેર લાભ લઈને તેમની અને ગુજરાતની આવતીકાલ ઉજ્જવળ બનાવી રહ્યા છે જે અન્ય માટે પ્રેરણાસ્રોત છે.

error: