Satya Tv News

આજે ૧૦મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારના વનવિભાગના જતન-સંવર્ધનના સાર્થક પ્રયાસોના કારણે સિંહની વસ્તીમાં વધારો પણ થઈ રહ્યો છે.

ગીર જંગલના પૂનમ અવલોકન ૫-૬-જૂન, ૨૦૨૦ના અહેવાલ મુજબ, ગીરમાં પુખ્ત સિંહની સંખ્યા ૧૬૧ સામે સિંહણની સંખ્યા ૨૬૦ છે. જ્યારે સબ એડલ્ટ સિંહ ૪૫ તો સબ એડલ્ટ સિંહણ ૪૯ છે. તથા ૨૨ની જાતિ જાણી શકાઈ નથી. ૧૩૭ સિંહબાળ છે. આમ ૬૭૪ સિંહ વસતી હોવાનું જાણવા મળી રહ્યું છે. નોંધનિય છે કે ગીરમાં પુખ્ત સિંહ-સિંહણની વસતીનો રેશિયો ૧:૧.૬૧ જોવામાં આવ્યો છે.

સિંહની ગણતરીમાં ૬૭૪ સિંહ વસતી કુલ મળીને ૨૯૪ સ્થળો પર જોવા મળી છે. જેમાં ૫૨.૦૪ ટકા સિંહ જંગલ વિસ્તારમાં જોવા મળ્યા છે. જ્યારે ૪૭.૯૬ ટકા જંગલ બહારના વિસ્તારમાં દેખાયા હતા. જેમાં ૨૬.૧૯ ટકા સિંહ વેરાન જમીન, તો ૧૩.૨૭ ટકા સિંહ ખેતી વિસ્તાર અને ૩.૭૪ ટકા સિંહ નદીકાંઠા વિસ્તાર તથા ૨.૦૪ ટકા સિંહ એગ્રીકલ્ચરલ પ્લાન્ટેશન, ૨.૦૪ ટકા સિંહ માનવ વસ્તી નજીક જ્યારે ૦.૬૮ ટકા ઔદ્યોગિક વિસ્તાર નજીક દેખાયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.

પૂનમ અવલોકન-૨૦૨૦ મુજબ, કુલ નવ સેટેલાઇટ વિસ્તારોમાં સિંહની વસ્તી દેખાઈ છે. જેમાં સૌથી વધુ ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય તથા આસપાસના વિસ્તારોમાં ૩૩૪ સિંહ વસ્તી જોવા મળી છે. પાણીયા વાઇલ્ડલાઇફ અભયારણ્યમાં ૧૦ સિંહની વસતી, મિતિયાળા અભયારણ્યમાં ૧૬, ગીરનાર અભયારણ્યમાં ૫૬, દક્ષિણ-પશ્ચિમ દરિયાઈ કાંઠા (સુત્રાપાડા, કોડીનાર, ઉના, વેરાવળ) ક્ષેત્રમાં ૨૦, દક્ષિણ-પૂર્વ દરિયાઈ કાંઠા (રાજુલા, જાફરાબાદ, નાગેશ્રી)માં ૬૭, સાવરકુંડલા-લીલીયા અને અમરેલીના આસપાસના વિસ્તારોમાં ૯૮, ભાવનગર મેઇન લેન્ડમાં ૫૬, જ્યારે ભાવનગર દરિયાકાંઠામાં ૧૭ સિંહની વસ્તી જોવા મળી છે.

error: