Satya Tv News

રાજકોટમાં સરકારી કેન્દ્રોમાં દવાઓ વિતરણ કરતા GMSCL માં મસમોટું સ્ટિકર કૌભાંડ સામે આવ્યું છે. એક સ્ટિકરથી બે-બે કૌભાંડ આચરાતા હોવાની માહિતી સામે આવતા ચકચાર મચી છે. GMSCLના રાજકોટના વેરહાઉસમાં ખાનગી કંપનીની દવાઓમાં સ્ટિકર મારી એજન્સીને પેનલ્ટીથી બચાવવા લાંચ લેવાઈ છે, જ્યારે સ્ટોક ચોપડે ચડી ગયા બાદ એજ સ્ટિકર ફરી ઉખેડી બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ અંગેની જાણ થતા જ ગાંધીનગરથી અધિકારીઓ દાડતા રાજકોટ આવ્યા છે અને રાજકોટ GMSCLના ગોડાઉન પર સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે.

રાજકોટ ખાતે આવેલા GMSCLના વેરહાઉસમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. મેનેજર કંપનીઓમાંથી આવતી દવાઓની કિંમત પર સરકારી સ્ટિકર મારી દેતો હતો. સરકારી દવાઓની કટકી ન થાય તે માટે કિંમત લખવાની મનાઇ હોય છે. જોકે, કંપનીઓથી આવતી કિંમત લખેલી દવા પર મેનેજર પ્રતિક રાણપરા સરકારી દવાનું નોટ ફોર સેલ વાળું સ્ટિકર મારી દેતો હતો. જેથી દવા બનાવતી કંપની પેનલ્ટીથી બચી જતી હતી. જેના બાદ દવાઓનો અસલી ખેલ ચાલુ થતો હતો.

સ્ટોકને સરકારી બતાવી ફરી સરકારી સ્ટિકર કાઢી નાખવામાં આવતા હતા. કોઈપણ દર્દીના નામે આ દવા ઉધારી કિંમત સાથેની આ દવા બ્લેકમાર્કેટમાં વેચી દેવામાં આવતી હતી. કરોડો રૂપિયાના સ્ટોકમાં આ ગોલમાલ કરાઇ હોવાની ફરિયાદ થતાં ગાંધીનગરથી અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા છે. તો બીજી બાજુ વેરહાઉસ મેનેજર પ્રતિક રાણપરાની નીચે કામ કરતાં 2 કર્મચારીઓ આજે કામ પર ન આવતાં તેમની પણ સંડોવણી હોવાની શક્યતા છે.

પ્રાથમિક તપાસમા મેનેજર પ્રતિક રાણપરાની બેગમાંથી વાંધાજનક રિસિપ્ટ મળી આવી હતી. હેત્વી હેલ્થ કેર નામના બિલની રિસિપ્ટ મળી આવતાં ગેરકાયદે સરકારી જથ્થો પ્રાઇવેટ મેડિકલ સ્ટોરને વેચી દેતો હોવાના આરોપ લાગ્યા છે. હાલ સમગ્ર મામલે ગાંધીનગરના અધિકારીઓ વેરહાઉસમાં તપાસ શરૂ કરી છે.

error: