વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ હવે ટીમ ઈન્ડિયા નું આગામી મિશન આયર્લેન્ડ છે. ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ભારતીય ટીમને આયર્લેન્ડ માં ત્રણ મેચની T20 શ્રેણી રમવાની છે અને તે તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ સીરિઝથી ટીમને ભવિષ્ય સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ મળવાના છે. BCCIએ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની તસવીરો પોસ્ટ કરી છે. જેઓ આ પ્રવાસને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
ટીમની કમાન જસપ્રીત બુમરાહના હાથમાં છે. બુમરાહ લાંબા સમય બાદ ફિટ થઈને ટીમમાં વાપસી કરી રહ્યો છે. આ એશિયા કપ 2023 પહેલા તેના માટે ઘણી મહત્વપૂર્ણ શ્રેણી સાબિત થશે. અહીં તેની મેચ ફિટનેસ જાણી શકાશે. આ સિવાય ઘણા યુવા ખેલાડીઓ પાસે પોતાને સાબિત કરવાની તક મળશે, જ્યારે કેટલાક ખેલાડીઓનું ભારતની જર્સીમાં મેચ રમવાનું સપનું સાકાર થશે.
ટીમ ઈન્ડિયાએ આઈરીશ T20 સીરિઝ માટે 15 સભ્યોની ટીમ પસંદ કરી છે. આમાં ત્રણ એવા ખેલાડી છે જેમને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જેમાં પ્રસિદ્ધ કૃષ્ણા, રિંકુ સિંહ અને જીતેશ શર્માનો સમાવેશ થાય છે. રિંકુ સિંહ અને જીતેશ શર્માએ IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ બંને ખેલાડીઓ તેમની ઝડપી બેટિંગ માટે જાણીતા છે.