રાજકારણના યુગપુરુષ તરીકે ઓળખાતા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 5મી પુણ્યતિથિ છે. આ અવસર પર આજે આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા છે અને તેમની પાંચમી પુણ્યતિથિ પર ટ્વિટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ‘સદૈવ અટલ’ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય નેતાઓ ‘સદૈવ અટલ’ પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. સ્પીકર ઓમ બિરલા, ગૃહમંત્રી અમિત શાહ પણ સમાધિ પર પહોંચ્યા હતા. બીજેપીના અન્ય નેતાઓ અને મંત્રીઓની સાથે એનડીએના સાથી પક્ષોના નેતાઓ પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા.
પોતાના રાજકીય જીવનમાં અટલ બિહારી વાજપેયી ત્રણ વખત વડાપ્રધાન બન્યા હતા. 16 મે, 1996ના રોજ અટલ બિહારી વાજપેયીએ પહેલીવાર વડાપ્રધાન તરીકે દેશની જવાબદારી સંભાળી પરંતુ બહુમતી સાબિત ન કરી શકવાના કારણે આ કાર્યકાળ માત્ર 13 દિવસનો જ રહ્યો. આ પછી તેઓ 1998માં અને ફરીથી 19 માર્ચ 1999થી 22 મે 2004 સુધી ભારતના વડાપ્રધાન હતા.
છ વર્ષ સુધી ગઠબંધન સરકાર સફળતાપૂર્વક ચલાવવાનો શ્રેય પૂર્વ વડાપ્રધાન વાજપેયીને જાય છે. આ દરમિયાન તેમણે સુધારાઓને આગળ વધાર્યા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપ્યું. વાજપેયીનું 2018માં 93 વર્ષની વયે અવસાન થયું હતું.