સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાંતો સ્થાનિકો દીપડાના આતંકથી પરેશાન છે, ત્યાં હવે છેલ્લા એક સપ્તાહથી હિંમતનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ફફડાટ વ્યાપ્યો છે. હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદી કાંઠા વિસ્તારના શહેરી રહેણાંક વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ચર્ચાને લઈ વિસ્તારમાં લોકોમાં ભય વ્યાપ્યો છે. ગત સપ્તાહે પોલીસ હેડક્વાર્ટરમાં એક ઘોડાના ચહેરાના ભાગે ઈજા પહોંચવાને લઈ ફફડાટ વધ્યો છે.
હિંમતનગર શહેરમાં આવેલ ચાંદનગર, હસનનગર, પરબડા, ભોલેશ્વર, મહેતાપુરા, સરકારી આવાસ યોજના ઉપરાંત ક્લેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓના બંગલા અને કર્મચારીઓના આવાસ નજીકમાંજ આવેલા છે. વિસ્તારમાં પોલીસ કર્મચારીઓના આવાસ પણ નજીકમાં આવેલા છે. આવી સ્થિતિમાં શહેરમાંથી પસાર થતી હાથમતી નદી કાંઠા વિસ્તારમાં દીપડો ફરતો હોવાનો ડર વ્યાપ્યો છે. સ્થાનિકો માટે કેટલાક રસ્તાઓ પરથી રાત્રે પસાર થવાનુ પણ બંધ થઈ ગયુ છે.
વન વિભાગે હવે આ મામલે પાંજરુ મુકીને દીપડાને પાંજરે પુરવા માટે પ્રયાસ શરુ કર્યા છે. આ ઉપરાંત વિસ્તારમાં ફરીને દીપડો કઈ દીશામાંથી આવે છે અને ક્યાં ફરે છે, તેનો ટ્રેક તૈયાર કરવા માટે વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ વન વિભાગે શરુ કર્યા છે. આ માટે એક પાંજરુ પણ મુકવામાં આવ્યુ છે. પરંતુ દીપડાના કોઈ જ ફુટ માર્ક જણાયા નહીં હોવાને લઈ હાલમાં વનવિભાગ દીપડો હોવા અંગેની વાતનો સ્વિકારવા તૈયાર નથી. જોકે આમ છતાં દીપડાને લઈ વિસ્તારમાં તકેદારીના પગલા ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે.