આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. અનેક શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં આવેલ શિવ મંદિરમાં પણ મોટી સંખ્યમાં શિવ ભક્યો ઉમટ્યા છે.
ત્રણ વર્ષે આવેલો અધિક માસ ગત રોજ સમાપ્ત થઈ ગયો છે. હવે ફરી ત્રણ વર્ષ પછી ૧૭ મે ૨૦૨૬ને રવિવારે અધિક માસ આવશે. બાબા ભોલેનાથના ભક્ત આખું વર્ષ જેની રાહ જોતા હોય છે તે શ્રાવણ માસનો પ્રારંભ આજથી પ્રારંભ થઇ રહ્યો છે. જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે શહેરનાં શિવાલયોમાં શિવ ભકતોની ભીડ જામશે અને ઓમ નમ: શિવાય તથા હર હર મહાદેવના નાદ ગૂંજી ઊઠશે. સવારથી જ શિવભકતો દૂધ, પાણી, બિલીપત્ર વડે ભગવાન શિવની આરાધના કરશે. આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભગવાન શિવનાં વિવિધ દર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાવણમાં શિવ મહિમાનું વિશેષ મહત્વ હોવાથી શિવ ભક્તો ઉપવાસ અને ભગવાન શિવની આધારના કરતા હોય છે. શિવભક્તો આખો માસ ઉપવાસ કરીને, શિવલિંગ પર દૂધ, બિલીપત્ર ચઢાવીને, યથાશક્તિ દાન કરીને, ઓમ નમઃ શિવાયના જાપ કરીને ભગવાન શિવના આશિર્વાદ અને કૃપાદ્રષ્ટિ મેળવશે. આ માસ દરમિયાન શિવભક્તો આજુબાજુના પ્રખ્યાત શિવમંદીરોના દર્શન કરીને ધન્યતા અનુભવશે.