Satya Tv News

ઝઘડિયાના સારસા પાસે સર્જાયો અકસ્માત
હાઇવા ટ્રક અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત
આઇસર ચાલક તેનું ટ્રક મુકી નાશી ગયો
હાઇવા ચાલક ઇજાગ્રસ્ત થતાં દવાખાને ખસેડાયો
અકસ્માતમાં બન્ને વાહનોને થયું નુકશાન
ગામમાં ગતિ અવરોધકો બનાવવા ગ્રામજનોની માંગ

YouTube player

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં રાજ્ય ધોરીમાર્ગ પર દિવસેદિવસે અકસ્માતો વધી રહ્યા હોઇ જનતામાં ચિંતા ફેલાવા પામી છે. રાજપારડીથી ઉમલ્લા વચ્ચે વારંવાર થતા અકસ્માતોને લઇને આ વિસ્તાર અકસ્માત ઝોન બની રહ્યો છે. ભુતકાળમાં આ ધોરીમાર્ગ પર ઘણાં અકસ્માત નોંધાયા હતા, તે પૈકી કેટલાક અકસ્માતો જીવલેણ પણ સાબિત થયા હતા.

રાજપારડીથી ઉમલ્લા તરફના માર્ગ પર સારસા ગામ પાસે ઘણા જીવલેણ અકસ્માત ભુતકાળમાં થયા હતા. ત્યારે અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય એમ ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં સારસા ગામે ઉમધરા ગરનાળા નજીક એક હાઇવા ટ્રક અને એક આઇસર ટ્રક ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં હાઇવા ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માતમાં બન્ને વાહનોને નુકશાન થયું હતું. અકસ્માતની જાણ થતાં રાજપારડી પીએસઆઇ પી.એમ.દેસાઇ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અંગે મળતી વિગતો મુજબ હાઇવા ટ્રકનો ડ્રાઇવર પરવેઝ અખ્તર મહમદ ફરીઝ કુરેશી હાલ રહે.કીમ ચોકડી જિ.સુરત અને મુળ રહે.ઉત્તરપ્રદેશના તેની ટ્રક લઇને ર‍ાજપારડી તરફથી ઉમલ્લા તરફ જઇ રહ્યો હતો, ત્યારે સામેથી રોંગ સાઇડે આવી રહેલ એક આઇસર ટ્રક આ હાઇવા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હાઇવાનો ચાલક પરવેઝ અખ્તર ઇજાગ્રસ્ત થતાં તેને એમ્બ્યુલન્સમાં અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો. ઇજાગ્રસ્ત ઇસમ પરવેઝને જમણા પગે ફેકચર થયું હોય ત્યારબાદ તેને વધુ સારવાર માટે સુરત ખાતે લઇ જવાયો હતો. અકસ્માત બાદ આઇસર ટ્રકનો ચાલક તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો.ઇજાગ્રસ્ત હાઇવા ટ્રકના ચાલક પરવેઝ અખ્તરે આઇસર ટ્રકના ચાલક વિરુધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ઉલ્લેખનીય છેકે સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક તેમજ સારસાના ઉમધરા ગરનાળા પાસેના ત્રણ રસ્તા પર આ ધોરીમાર્ગ પર સ્પિડ બ્રેકરો બનાવવાની તાતી જરૂર છે. સારસા બસ સ્ટેન્ડની બન્ને તરફ સારસા ગામ વસે છે. તેથી બન્ને તરફના રહીશોએ એકથી બીજી તરફ જવા વારંવાર રોડ ઓળંગવાની નોબત આવે છે. ત્યારે આ સ્થળે ગતિ અવરોધકો બનાવાય તેવી માંગણી અને લાગણી ગ્રામજનોમાં સ્પસ્ટપણે દેખાય રહી છે.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: