અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. લુખ્ખા તત્વો દિવસે-દિવસે વધુ બેખોફ બનતા જાય છે. લુખ્ખાઓ કાયદો-વ્યવસ્થા ઘોળીને પી ગયા છે. ક્યાંક જાહેરમાં ફાયરિંગ થાય છે, તો ક્યાંક હત્યા થાય છે. તાજેતરમાં જ આવો બનાવ સામે આવ્યો હતો. ગત 16 ઓગસ્ટના રોજ અસામાજિક તત્વોએ બાપુનગર ચાર રસ્તા પાસે મુક્તિધામ સોસાયટીમાં જીપને આગ લગાવી વાહન માલિકને માર માર્યો હતો. તેમજ બાપુનગર બ્રિજ પાસે હોટલ માલિક સાથે માથાકૂટ કરી પૈસા ઉઘરાવ્યા હતા. આ હોટલમાં જમવા આવેલા પોલીસકર્મી સાથે પણ માથાકૂટ કરી હતી. હોટલમાં થયેલી માથાકૂટ CCTVમાં કેદ થઈ હતી. કુલદીપ ભદોરિયા, પીન્ટુ રાવલ અને તેમની ગેંગથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
જે બાદ સ્થાનિકો બાપુનગર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રણજીત ઉર્ફે પીન્ટુ રાવલ તથા કુલદીપ યાદવની ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે રણજીત ઉર્ફે પીન્ટુ રાવલ તથા કુલદીપ યાદવ નામના બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તો ફરાર અન્ય આરોપીઓને શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.