Satya Tv News

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના તેનગામે આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં ગત 5 ઓગસ્ટના રોજ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોની રંજાડ વધતા સ્થાનિકોએ રાત્રે જાગી પહેરો કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન શુક્રવારે રાત્રે ગામના યુવકો ઘરની છત પર બેસીને વોચ રાખી રહ્યા હતા આ દરમિયાન સિદ્ધેશ્વર પાર્ક સોસાયટી પાસેથી 4થી 5 અજાણ્યા શખ્સો પસાર થતાં દેખાતા આ તમામે તેમની પાછળ જઈને ઝડપી લીધા હતા. જે બાદ આજુબાજુની 10 જેટલી સોસાયટીની રહીશો પણ અહીં એકઠા થઈ ગયા હતા. જે બાદ ભાજપ અગ્રણી દેવુ ચૌધરી સહિત અન્ય રહીશોએ ભેગા મળીનને આ અજાણ્યા યુવકોને અનહદ માર માર્યો હતો.

આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા યુવકોને બારડોલી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતાં. આ દરમિયાન યુવકોના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. શંકાસ્પદ ઈસમો તલાવડીના સામેના વિસ્તારના હોવાનું અને તેઓ માછલી પકડવા ગયા હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. 5 જેટલાં નિર્દોષ શ્રમજીવીઓને ચોર સમજીને ભાજપ અગ્રણી અને સરપંચના પતિ દેવુ ચૌધરી સહિત સ્થાનિકોએ ઢોરમાર મારતાં વાતાવરણ ગંભીર બન્યું છે. ત્યારે આ બાબતે પોલીસની ગંભીરતા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.

error: