વડોદરામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ટ્યુશન દરમિયાન નર્વસ બેસી રહેતી હોવાથી શિક્ષકને શંકા ગઈ હતી. શિક્ષકે વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈ કોઈ સમસ્યા છે કે કેમ તે બાબતે પૂછતા વિદ્યાર્થીની રડી પડી હતી અને પાડોશીઓ દ્વારા થતી હેરાનગતિ બાબતે જાણ કરતા શિક્ષક ચોકી ઉઠ્યા હતા.
ગામડામાંથી શહેરમાં અભ્યાસ માટે આવેલી વિદ્યાર્થીનીના પિતા સામાન્ય નોકરી કરે છે અને વિદ્યાર્થિનીને સારી સ્કૂલમાં ભણાવી રહ્યા છે. વિદ્યાર્થીની પણ ભણવામાં હોશિયાર હોવાથી તેની કારકિર્દી ઘડવા માટે માતા-પિતા તનતોડ મહેનત કરી મદદરૂપ થતા હતા. માતા પણ છૂટક કામ કરીને વિદ્યાર્થીનીને મદદ કરતી હતી.
પરંતુ કેટલાક પાડોશીઓ વિદ્યાર્થીનીને તેનો અવાજ બાળક જેવો છે તેમ કહી પજવણી કરતા હતા. વિદ્યાર્થીની જ્યારે પણ વાંચવા બેસે ત્યારે તેને પુસ્તક ઊંધું છે… આ રીતે નામ વાંચી શકાય કઈ રીતે વાંચવું તેમ કહી ઉંધીચત્તી સાલાઓ આપી તેને મજાક રૂપ બનાવી દીધી હતી.
આ કારણોસર વિદ્યાર્થીનીના આત્મવિશ્વાસ પર અસર થઈ હતી અને તે આગળ વધી રહી શકે તેમ માનવા લાગી હતી. તેને વારંવાર જીવન ટૂંકાવી નાખવાના વિચારો આવતા હતા.
વિદ્યાર્થીની માનસિક સ્થિતિ જાણી શિક્ષકે તરત જ અભયમને કોલ કર્યો હતો. અભયમની ટીમે વિદ્યાર્થીનીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને કોઈના વિચારવાથી કે કોઈના કહેવાથી કારકિર્દી પર કોઈ અસર ના થવી જોઈએ તેમ કહી ગરીબ બાળકો કેવી રીતે આગળ આવ્યા છે તેના ઉદાહરણો આપી મનોબળ વધાર્યું હતું. આ ઉપરાંત પાડોશીઓને પણ આ બાબતે ચેતવણી આપી કાયદાકીય આંટીઘૂટીથી બચવા માટે સલાહ આપી હતી.