ગુજરાતમાં કેટલાક પોલીસકર્મીઓ પોતે જ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોવાનું ધ્યાને આવતા ડીજીપી વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં પોલીસકર્મીઓને પોતાના વાહન પર પોલીસ લખેલા લખાણ દૂર કરવાની અને ગાડીઓના કાળા કાચ દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ પોલીસકર્મીઓને ફરજિયાત ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે રાજ્યના પોલીસ વડાનો આદેશ કેટલાક પોલીસકર્મીઓ ઘોળીને પી ગયા હોય એવું દેખાઇ રહ્યું છે, કારણ કે લોકોને નિયમોનું પાલન કરાવનાર પોલીસકર્મી જ બાઇક પર ત્રિપલ સવારી જતા જોવા મળ્યા, એ પણ હેલ્મેટ વગર.
સુરત પોલીસકર્મીઓ હજી પણ રાજ્ય પોલીસવડાના આદેશને ગંભીરતાથી ન લેતા હોય એવું સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો પરથી લાગી રહ્યું છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવનારા જ નિયમોનો ઉલાળીયો કરી રહ્યા હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસકર્મી બાઈક પર ત્રિપલ સવારી જતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો સુરતના અઠવાલાઈન્સ વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કોઈ રાહદારી દ્વારા આ વીડિયો ઉતારીને વાયરલ કરાયો હોય તેવું લાગી રહ્યું છે. લોકોમાં સવાલો ઉભા થયા છે કે DGના પરિપત્રનું પોલીસ કર્મચારીઓ જ કેમ કરી રહ્યા છે ઉલ્લંઘન?, શું શહેર પોલીસ કમિશનર આ પોલીસકર્મી સામે કાર્યવાહી કરશે કે કેમ?