રાજકોટના ૮૦ ફૂટના રોડ પર આવેલી હરિદ્વાર સોસાયટી-રમાં રહેતા અને ધો.૬માં અભ્યાસ કરતા વ્રજ ગીરીશભાઈ સોરઠીયાનું ધ્રોલમાં બેભાન થઈ ગયા બાદ મોત નિપજયું હતું. વ્રજની ઉંમર માત્ર ૧ર વર્ષની હોવાથી તેનું મોત કયા કારણથી થયું તે બાબતે રહસ્ય સર્જાયું છે. રાજકોટમાં ફોરેન્સિક નિષ્ણાંત તબીબોએ પોસ્ટમોર્ટમ કર્યું હતું. પરંતુ તત્કાળ મોતનું કારણ આપી શકયા નથી. ધ્રોલ પોલીસે હાલ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ આગળ ધપાવી છે.
વિદ્યાર્થી એ ગયા વર્ષે સૈનિક સ્કુલ બાલાચડીમાં પરીક્ષા આપી હતી. જેમાં થોડા માર્કસ માટે રહી ગયો હતો. જેથી વાલીઓએ તેને ફરીથી સૈનિક સ્કુલમાં દાખલ કરાવવાનો નિર્ણય લીધો હતો. જેને કારણે તેને ભણવા માટે એકાદ માસ પહેલા ધ્રોલ મુકયો હતો. જયાં આનંદનગર સોસાયટીમાં કોંચિંગ સેન્ટર ચલાવતા રાજેન્દ્રભાઈ બારડને ત્યાં રહી હાલ ધો.૬માં અભ્યાસ સાથે તૈયારી કરતો હતો. રાજેન્દ્રભાઈ પોતાના મકાનમાં જે હોસ્ટેલ ચલાવે છે. જેની રૂમમાં અન્ય છાત્રો સાથે વ્રજ હાલ રહેતો હતો.
રાજેન્દ્રભાઈએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે એકાદ વાગે ટીવી પર ન્યૂઝ જોઈ તે સુઈ ગયા હતા. સવારે ૩-૩૦ વાગે ઉઠી જતાં છાત્રોની રૂમમાં ગયા હતા ત્યારે વ્રજ તેની ભોંય પરની પથારીથી થોડે દુર જોવા મળ્યો હતો. જેથી તેને તેની પથારી પર જવા માટે જગાડવા ગયા હતા. પરંતુ કોઈ રીસ્પોન્સ નહીં આપતા પુત્ર પ્રતિકને ઉઠાડી વ્રજ ઉપર પાણી છાટયું હતું. આમ છતાં કોઈ ફર્ક નહીં પડતા તત્કાળ તેને લઈને ધ્રોલના ખાનગી તબીબ પાસે પહોંચ્યા હતા. પરંતુ તે તબીબ નહીં મળતા સિવીલ લઈ ગયા હતા.
તબીબોએ ચેક કરતા વ્રજનું શુગર લેવલ ૪૪૮ જોવા મળ્યું હતું. જેને કારણે તબીબોએ કોઈ બીમારી છે કે કેમ તે બાબતે પૂછતા તત્કાળ તેના વાલીઓને પૂછયું હતું. તેમણે કોઈ બીમારી નહી હોવાનું કહેતા ધ્રોલ સિવીલના તબીબોની સલાહથી વ્રજને તત્કાળ વહેલી સવારે રાજકોટની સિવીલ લઈ આવ્યા હતા. જયાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ધ્રોલની સિવીલમાં જયારે ગયા ત્યારે વ્રજ જીવીત હતો. બાદમાં તેનું મૃત્યુ નિપજયું હતું.
વ્રજના પરિવારજનો રાજકોટની સિવીલમાં દોડી આવ્યા હતા. એકના એક પુત્રના મોતથી પરિવાર ઉપર આભ તુટી પડયું હતું. વ્રજની ઉંમર નાની હોવાથી ફોરેન્સિક નિષ્ણાંત તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. જોકે ધ્રોલ પોલીસે જણાવ્યું કે તબીબોએ હજૂ મોતનું કારણ જણાવ્યું નથી. વિસેરા લઈ એફએસએલમાં મોકલી આપ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ આપશે. હાલ વ્રજના શરીર ઉપર બાહ્ય ઈજાના કોઈ નિશાન જોવા મળ્યા નથી. તેના પરિવારજનોએ કોઈ બાબતે શંકા કે આક્ષેપો કર્યા નથી.