અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે આકરી કાર્યવાહી કરવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી વિભાગ દ્વારા CCTV કેમેરાના સોફ્ટવેર સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવશે. જે બાદ વીડિયો રેકોર્ડિંગ કરીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સિસ્ટમને અપગ્રેડ કરીને હેલ્મેટ, સીટ બેલ્ટ, રોંગસાઈડમાં જતા વાહનનું રેકોર્ડિંગ કરવામાં આવશે. જે બાદ તમામને ઈ-મેમો મોકલવામાં આવશે.
CCTV કેમેરાના સોફ્ટવેરને અપગ્રેડ કરીને રેડલાઈટ અને સ્ટોપ લાઈન વાયોલેશનનું ડીટેક્શન કરાશે. તો સીટ બેલ્ટ કે સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ નહીં પહેરનારાને મેમો મોકલવામાં આવશે. વાહન ચલાવતી વખતે મોબાઈલના ઉપયોગને ડીટેક્ટ કરાશે. રોંગ સાઈડમાં વાહન હંકારનારા કે રોડ પર થુંકનારા ઝડપી લેવાશે. BRTS કોરિડોર ગેરકાયદે વાહન ચલાવનારાને શોધી લેવાશે. સાથે જ રોડ ઉપર પાર્કિંગ થતું અટકાવાશે.
રિક્ષામાં 3થી વધુ પેસેન્જર, ટુ-વ્હીલર પર 2થી વધુ બેસાડનારા પકડાશે. સાથે જ ડાર્કફીલ્મ ઓન ગ્લાસ, ફેન્સી નંબર પ્લેટ લગાવનારાને પણ ડીટેક્ટ કરાશે. આ ઉપરાંત સીસીટીવી દ્વારા હેવી ગુડ્સ વ્હીકલ પર બાજ નજર રાખવામાં આવશે. રોંગસાઈડમાં પ્રવેશી ટ્રાફિક કરનારાઓને ડીટેક્ટ કરાશે. હેલ્મેટ, સીટ બેલ્ટ, રોંગસાઈડ જતા વાહનો, વધુ સ્પીડ સહિત વિવિધ ગુનાનું રેકોર્ડિંગ કરી ઈ-મેમો મોકલવામાં આવશે.