ચીનના સરકારી અખબારે એક્સ ટ્વિટર પર આ નકશો પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘ચીનના સ્ટાન્ડર્ડ મેપનું 2023 વર્ઝન સોમવારે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રાકૃતિક સંસાધન મંત્રાલયની માલિકીની સ્ટાન્ડર્ડ મેપ સેવાની વેબસાઇટ પર આ નકશો જાહેર કરવામાં આવ્યો છે. આ નકશો ચીન અને વિશ્વના વિવિધ દેશોની રાષ્ટ્રીય સીમાઓની રેખાંકન પદ્ધતિના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.’
તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી બ્રિક્સ સમિટમાં પીએમ મોદી અને શી જિનપિંગની વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં બંને દેશોએ સરહદ પર શાંતિ જાળવવા અને તણાવ ઘટાડવા માટે વિવિધ ઉપાયો અપનાવવા પર સહમતિ વ્યક્ત કરી હતી. પરંતુ ચીન પોતાની વાત પર એક સપ્તાહ સુધી પણ ન ટકી શક્યું અને પોતાની અસલી ઓકાત પર ઉતરી આવ્યું.
તિબેટ પર કબજો જમાવી ચૂકેલા ચીનની નજર હવે અરુણાચલ પ્રદેશ પર છે, જેને તે દક્ષિણ તિબેટ કહે છે. આ સાથે તે લદ્દાખ પણ શિનજિયાંગ ક્ષેત્રનો ભાગ હોવાનો દાવો કરે છે. જોકે ભારતે દરેક વખતે તેના દાવાને સખત રીતે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ-લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે.