Satya Tv News

વડોદરામાં ફરી એક વખત શહેરની શાંતિ ડહોળવાના અને કોમી વૈમનસ્ય ફેલાવવાના સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. શહેર પોલીસે ઉપદ્રવ અને કોમી રમખાણો ફેલાવવાનું ષડયંત્ર રચનારા ત્રણ યુવકોની અટકાયત કરી છે. મળતી માહિતી અનુસાર, વિધર્મી યુવતી અને હિંદુ યુવકો બેઠા હતા ત્યારે આરોપીઓ ત્યાં જઇ ચડ્યા હતા. આરોપીઓએ યુવકનો કોલર પકડીને નામ પૂછી ઉશ્કેરાટ ફેલાય તેવો વીડિયો પણ બનાવ્યો. આ વીડિયોમાં કેટલાક યુવકો વાંધાજનક શબ્દો બોલતા હતા. એટલું જ નહિં યુવક-યુવતીનો વીડિયો બનાવ્યા બાદ તેમના પરિવારજનોને બ્લેકમેઇલ પણ કર્યા હતા. ફતેહપુરા, પાણીગેટ અને રાજમહલ રોડના ત્રણ યુવકોએ આ વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો.

પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી તો અનેક ચોંકાવનારી માહિતીઓ સામે આવી હતી. વાયરલ વીડિયોની સાયબર એક્સપર્ટની મદદથી તપાસ કરવામાં આવતા આ વીડિયો આર્મી ઓફ મહેંદી નામના ગ્રુપમાંથી વાયરલ કરાયો હોવાનું સામે આવ્યું. અટકાયત કરાયેલા ત્રણેય યુવકો આ ગ્રુપના એડમિન પણ હતા. જો કે, પોલીસે તપાસ કરી તો ધ્યાને આવ્યું કે, આ ગ્રુપ ડિલિટ કરી દેવામાં આવ્યું હતું અને તેની જગ્યાએ લશ્કર-એ-આદમ નામનું ગ્રુપ બનાવ્યું હતું. ત્યારે પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે, ખરેખર આ ષડયંત્ર પાછળ કોણ કોણ સામેલ છે ? કોઈ મોટા ગ્રૂપ દ્વારા તેઓને પ્રોત્સાહન આપવામાં આવતું હતું કે કેમ ?

આરોપી ટોળકીની મોડસ ઓપરેન્ડી જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ષડયંત્રમાં અનેક યુવકો જોડાયેલા છે અને તેનું નેટવર્ક પણ ખૂબ મોટું છે. યુવાનોની એક આખી ટીમ છે કે જે સૌથી પહેલા એક એરિયા ટાર્ગેટ કરતા અને તે વિસ્તારની વિધર્મી યુવતી પર નજર રાખતા. વિધર્મી યુવતી હિન્દુ યુવક સાથે બેસે એટલે આ ટોળકી તરત ત્યાં પહોંચી જાય. સ્થળ પર બબાલ કરી વીડિયો બનાવે અને પછી યુવતીના પરિવારને બ્લેકમેઇલ કરે. આ ટોળકી એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવી 4 મહિના સુધી એક્ટિવ રાખતા અને પછી તે ગ્રુપ ડિલીટ કરી નાંખતા. જે બાદ ફરી નવું ગ્રુપ બનાવી કોમી વૈમનસ્ય ફેલાય તેવા વીડિયો તેમાં અપલોડ કરતાં. આરોપીઓએ મોટા મોટા અનેક ગ્રુપ બનાવ્યા છે, જેમાં સેંકડો લોકો જોડાયા છે. ષડયંત્રકારીઓ હિન્દુ યુવકોનો મોબ લિંચિંગ કરવાનું પણ પ્લાનિંગ કરી રહ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે… પોલીસ પાસે આવા 5 કિસ્સા સામે આવ્યા છે અને દરેકમાં પોલીસને વીડિયો અને ચેટ સહિતના મજબૂત પુરાવાઓ મળ્યા છે.

error: