‘ઈન્ડિયા’ નામ પર ભાજપે વાંધો ઉઠાવ્યા બાદ હવે વિપક્ષી ગઠબંધને થીમ સોન્ગમાં બંધારણનો પ્રસ્તાવ મૂકવાની તૈયારી શરૂ કરી દીધી છે. મુંબઈની બેઠક પહેલા ગઠબંધને સ્પષ્ટ કર્યું હતું કે શિરોમણી અકાલી દળને સામેલ કરવામાં આવશે નહીં. કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો ઈન્ડિયા ગઠબંધનના ચેયરપર્સન પદ માટે મલ્લિકાર્જુન ખડગેનું નામ પ્રસ્તાવિત થઈ શકે છે. સોનિયા ગાંધી આ પદ માટે પહેલાથી જ ના પાડી ચૂક્યા છે. જો એક જ સંયોજક રાખવા પર સહમતિ થાય તો નીતિશ કુમાર અને મમતા વચ્ચે સ્પર્ધા છે.
ચાર સંયોજકોનો પ્રસ્તાવ પણ કેટલાક નેતાઓ દ્વારા આપવામાં આવ્યો છે, જેના પર આજે બેઠકમાં ચર્ચા થશે. સંયોજકનો મુદ્દો કોંગ્રેસે સંપૂર્ણપણે સાથી પક્ષોની સર્વસંમતિ પર છોડી દીધો છે.ઈન્ડિયા ગઠબંધન માટે જે થીમ સોન્ગ બનાવવામાં આવ્યું હતું, તેને હાલ માટે રિજેક્ટ કરી દેવામાં આવ્યું છે. હવે અલગ-અલગ ભાષાઓમાં નવું થીમ સોન્ગ બનાવવામાં આવશે. આમાં બંધારણની પ્રસ્તાવના `અમે ભારતના લોકો’નો ઉપયોગ કરવાની ચર્ચા છે. ગઠબંધનના લોગોમાં ભારતના નકશાને રાખવા પર સર્વસંમતિ બનાવવામાં આવી રહી છે.
ઈન્ડિયા ગઠબંધન આ નારાઓ પર લગભગ સંમત છે, મોંઘવારીને હરાવવા માટે- ઈન્ડિયા, બેરોજગારી નાબૂદ કરવા માટે- ઈન્ડિયા, નફરતની આગ બુઝાવવા માટે- ઈન્ડિયા. મુંબઈની બેઠકમાં 11 સભ્યોની સંકલન સમિતિની રચનાને લઈને ચર્ચા પ્રસ્તાવિત છે, જે ગઠબંધનની ભવિષ્યની ભૂમિકા નક્કી કરશે. એક કોમન મિનિમમ પ્રોગ્રામ પણ બનાવવામાં આવશે, જેના પર ગઠબંધનના તમામ સહયોગી દળ અને તેમના નેતાઓ એક સ્ટેન્ડમાં વાત કરશે. ‘ઈન્ડિયા’નો મીડિયા અને સોશિયલ મીડિયા સેલ પણ બનશે.
વિપક્ષી એકતાની બેઠકમાં 28 પક્ષો ભાગ લેશે. બેઠકમાં મહાગઠબંધનના નેતા, સંયોજક અને સંકલન સમિતિ ઉપરાંત ‘એક સીટ એક ઉમેદવાર’ની ફોર્મ્યુલા હેઠળ પસંદ કરાયેલી 450 બેઠકો પર ચર્ચા થઈ શકે છે. ગઠબંધનના નેતા પદની રેસમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સૌથી આગળ હોવાનું કહેવાય છે.