મહાઠગ કિરણ પટેલને શ્રીનગર કોર્ટમાંથી 6 મહિના પછી જામીન મળ્યા છે. હવે આ ઠગબાજ અમદાવાદના કેસમાં જ્યુડીશિયલ કસ્ટડીમાં રહેશે. ઠગબાજ કિરણ પટેલ સાબરમતી જેલમાં બંધ રહેશે, મળતા અહેવાલ પ્રમાણે શ્રીનગરના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે મહાઠગ કિરણ પટેલની જામીન આપતા નોંધ્યું હતું કે ચાર્જશીટના અવલોકનથી સ્પષ્ટ થાય છે કે IPC ધારા 467 હેઠળના ગુનો કે જેમાં આજીવન કેદની સજા છે તેને તપાસ એંજન્સી દ્વારા દૂર કરવામાં આવી છે.
મહાઠગ કિરણ પટેલની 3 માર્ચના રોજ શ્રીનગરની લલિત હોટલમાંથી PMOનો અધિકારી ગણાવી ત્યાં વીઆઈપી સુવિધા મેળવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમને જમ્મુ અને કાશ્મીર પ્રશાસનના અધિકારીઓ દ્વારા સુરક્ષા સાથે અત્યંત સંવેદનશીલ સ્થળો સુધી પહોંચ્યો હતો જ્યાં કોઈ સામાન્ય માણસ અથવા પ્રવાસીના પ્રવેશ પર પ્રતિબંધ છે. પોલીસે પટેલ વિરુદ્ધ IPCની કલમ 419, 420, 468, 471, 170 અને 120B હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસ પૂર્ણ થયા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા બીજા આરોપી પીયૂષ વસિતા સામે પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આરોપીઓના વકીલ અનિલ રૈનાએ કહ્યું કે આ દસ્તાવેજમાં કલમ 467 હેઠળ બંને સામેના આરોપો કાઢી નાખવામાં આવ્યા છે.