ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ઇસરો ચીફ એસ સોમનાથ આ દિવસોમાં ચર્ચામાં છે. તે જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમના સન્માનમાં તાળીઓ પાડીને તેમનું સ્વાગત કરે છે. ત્યારે આ બધાની વચ્ચે ગુરુવારે જ્યારે એસ. સોમનાથ ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે ફ્લાઈટમાં તેમની હાજરી જોઈને માત્ર મુસાફરી કરી રહેલા અન્ય લોકો જ નહીં પરંતુ એરલાઈન્સ ક્રૂ પણ ઉત્સાહિત થઈ ગયા હતા.
ઈન્ડિગો એરલાઈન્સની એક એરહોસ્ટેસે ફ્લાઈટમાં ઈસરો ચીફની હાજરી વિશે મુસાફરોને જાણ કરી ત્યારે આખું પ્લેન તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યું. ઈન્ડિગોની એર હોસ્ટેસે જાહેરાત કરી, ‘આપણી ફ્લાઇટમાં દેશના રાષ્ટ્રીય નાયકોનું હોવું હંમેશા ગર્વની વાત છે. ISRO ચીફ એસ સોમનાથ આજે અમારી ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છે, અમે તેમની હાજરીથી ખૂબ જ ખુશ છીએ અને તેમનું સ્વાગત કરીએ છીએ. મિસ્ટર સોમનાથ તમારું અમારી ફ્લાઈટમાં હોવું અમારા માટે ગર્વની વાત છે.
એરહોસ્ટેસની આ જાહેરાત બાદ અન્ય કેબિન ક્રૂએ પણ તેમને એક ખાસ ભેટ આપી હતી. આ દરમિયાન લોકો એસ. સોમનાથને તેમની નજીક જોઈને ખૂબ જ ખુશ થયા હતા. એસ.સોમનાથે તમામ મુસાફરોના અભિવાદનનો હસીને સ્વીકાર કર્યો.