Satya Tv News

ગુજરાત સરકારે કોરોનાકાળમાં જે પરિવારના સ્વજનો મૃત્યુ પામ્યા હોય તેમના માટે રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. ત્યારે આ સહાય મેળવવા માટે જેમના કોરોનાને બદલે અન્ય બીમારીઓથી મૃત્યુ થયા હોય તેવા મૃતકોના પરિજનોએ પણ અરજી કરી હતી. જે બાદ રાજ્ય સરકારે તપાસનો આદેશ આપ્યો હતો.

તપાસ દરમિયાન ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં સરકારી સહાય મેળવવાનું કૌભાંડ સામે આવતા હડકંપ મચી ગયો છે. દહેગામ તાલુકાના અલગ અલગ ગામોના 30 જેટલા અરજદારોએ 50 હજારની સહાય માટે મેડિકલ ઓફિસરના ખોટા સિક્કા અને સહીવાળા સર્ટિફિકેટ બનાવી રજૂ કર્યા હતા અને સરકાર તરફથી મળતી રૂ. 50 હજારની સહાય મેળવી લીધી હતી. જે બાદ દહેગામના મામલતદારને આ અંગેની જાણ થતાં તેમણે વારસદારો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રમાણપત્રોની ખરાઈ કરાવી હતી. જેમાં 30 જેટલા મૃતકોના વારસદારોએ ખોટા સહી સિક્કા વાળા પ્રમાણપત્રો રજૂ કરી સહાય મેળવી હોવાનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.

નાયબ મામલતદાર કૌશલકુમાર ચૌધરીએ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા મેડિકલ સર્ટિફિકેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાણોદાનું હોવાનું સામે આવ્યું હતું. જેથી ટીમ મેડીકલ ઓફિસર પાસે પહોંચી હતી. જે બાદ મેડિકલ ઓફિસર દ્વારા મૃતકોના નામ સાથેની વિગતો તપાસ કરવામાં આવતાં આવા કોઈ સર્ટિફિકેટ ઈસ્યૂ કરવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું.જે બાદ હાલ 30 જેટલા અરજદાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. નકલી સર્ટિફેકટ બનાવી સહાય મેળવનારા વારસદારો સામે કાર્યવાહી કરવા તૈયારી તેજ કરી દેવામાં આવી છે. વારસદારોને સરકારી ધારાધોરણ મુજબ વ્યાજ સહિત રિકવરી માટે નોટિસ આપવામાં આવશે. સાથે જ આ ફોર્મની ફરીથી ચકાસણી પણ કરવામાં આવશે.

error: