Satya Tv News

નર્મદા સંદેશ,રાજપીપલા: હાલ ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાતા ખેડુતોને ખેતીનો ઉભા પાક બચાવવા માટે ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના 14 જીલ્લાઓમાં વીજ જોડાણમાં 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો હતો. આ તમામની વચ્ચે આદીવાસી બહુલ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાનો આમા સમાવેશ ન કરતાં જિલ્લાના ખેડુતોમાં ભારે રોષ ફેલાયો હતો.

જિલ્લાના ખેડુતોની તકલીફ જોઈ નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે મંત્રી કનુ દેસાઈને પત્ર લખી જણાવ્યું હતુ કે રાજ્યમાં વરસાદ ખેંચવાના કારણે નર્મદા જિલ્લાના ખેડૂતોને મુખ્ય પાક કેળા, કપાસ, શેરડી સહિતના પાકોમાં વધુ પાણી જોઈતું હોવાથી પાકને નુકશાન થઈ રહ્યું છે. જેથી નર્મદા જિલ્લાના ખેડુતોના ઉભા પાકને બચાવવા માટે સિંચાઈ માટે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવા વિનંતી છે. ડો.દર્શનાબેન દેશમુખની રજુઆતને પગલે સરકાર નર્મદા જિલ્લાને વધુ વીજળી આપશે એવી આશા બંધાઈ હતી.

ત્યારે હવે ગુજરાત સરકારે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શના દેશમુખની રજુઆત બાદ નર્મદા જિલ્લાને પણ સિંચાઈ માટે 10 કલાક વિજળી આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારનાં આ નિર્ણયને પગલે જિલ્લાના ખેડુતોમાં આનંદની લાગણી છવાઈ છે.

વિડીયો જર્નાલિસીટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: