Satya Tv News

એકતાનગરના આંગણે ટુરિઝમ વિભાગ દ્વારા આયોજિત ‘મોન્સૂન મેઘ મલ્હાર પર્વ ૨૦૨૩’ નો શુભારંભ;

નર્મદા: એકતાનગરના આંગણે છોટા ઉદેપુરના સાંસદ ગીતા રાઠવાએ રંગારંગ ઉદ્ઘાટન પરેડને રંગેચંગે ફ્લેગ ઓફ કરાવીને ૨ થી ૧૦ સપ્ટેમ્બર સુધી ચાલનાર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી મોન્સૂન મેઘ મલ્હાર પર્વ ૨૦૨૩’ નો શુભારંભ કરાવ્યો હતો. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષા વસાવા અને નાંદોદાના ધારાસભ્ય દર્શના દેશમુખ સહિત SOU ના અધિકારી, મહાનુભાવો પણ આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે સાંસદ ગીતા રાઠવાએ મોન્સૂન પર્વની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, કુદરતે નર્મદા જિલ્લાને મન મુકીને પ્રાકૃતિક સૌંદર્ય લીલી વનરાજી ગિરીકંદરા અર્પી છે, ત્યારે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સોનામાં સુગંધ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલ સાહેબની ૧૮૨ મીટરની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના નિર્માણ થકી નર્મદા જિલ્લો આજે વિશ્વપટલ પર એક આગવું સ્થાન ધરાવી પ્રવાસન ક્ષેત્રે અંકિત થઈ ચૂક્યું છે. વધુમાં સાંસદએ ઉમેર્યુ કે, ગંગામાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે, યમુના નદીમાં આચમન અને નર્મદા નદીના દર્શન કરવાથી પુણ્ય મળે છે.

આ નવ દિવસ ચાલનારા ફેસ્ટિવલમાં અનેકવિધ સ્ટોલ્સની પ્રવાસીઓ મુલાકાત લે અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તથા અહીં આયોજિત ફોટોગ્રાફી, રંગોળી, ટ્રેકિંગ તેમજ સાહસીકો માટે રીવર રાફ્ટિંગ જેવા વિવિધ આકર્ષણોનો લાભ લે તેવી અપીલ કરી હતી.

એકતાનગર માટે રાજ્ય સરકારે બજેટમાં અંદાજીત ૫૬૫ કરોડની ફાળવણી કરી છે, તેનાથી વિવિધ પ્રકલ્પોને સાકાર કરવાની સાથે આત્મનિર્ભર બનવાનુ સ્વપ્ન સાકાર થશે. રાજ્યના અન્ય પ્રવાસન સ્થળો પાવાગઢ, સોમનાથ જેવા સ્થળોનો પણ આધુનિક ઢબે વિકાસ કર્યો છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર્યટકો માટે દિનપ્રતિદિન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે અહીં મોન્સૂન ફેસ્ટિવલની ઉજવણી થકી પ્રવાસનને વધુ વેગ મળશે અને પ્રવાસીઓનું આગમન વધવા સહિત સ્થાનિકો માટે રોજગારીના નવા તકો ઉભી થશે. સાંસદશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, ચોમેર વનરાજી ધરાવતા નર્મદા જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે સહેલાણીઓ માટે ઝરવાણી ધોધ-ખલવાણી ઇકો ટુરિઝમ સાઈટ્સ આકર્ષણનું કેન્દ્ર છે.

જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષા વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને આધુનિક ભારતના નવા અધ્યાય સમાન ગણાવીને પર્યટકોને મોન્સૂન ફેસ્ટિવલ કાર્યક્રમમાં રાજ્ય-રાષ્ટ્ર તેમજ દેશ-વિદેશના પ્રવાસીઓ વધુને વધુ સહભાગી થાય તેવો અનુરોધ કર્યો હતો. પ્રવાસીઓ અહીં રોકાય, આદિજાતિ સંસ્કૃતિ, તેમની દેશી વાનગીઓનો સ્વાદ અને આતિથ્યભાવની મજા માણે.

સ્ટેચ્યુ ઓફ ઓથોરિટી અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્ર પહેલા આયોજિત ઉદ્ઘાટન પરેડમાં દેશને એક તાંતણે બાંધનાર સરદાર વલ્લભાભાઈ પટેલના ટેબલોએ યુવાનોને પ્રેરિત કરનારી થિમ ટેબ્લોની ઝાંખી નિહાળી હતી. આ ઝાંખીમાં પરંપરાગત રાસ-ગરબા તથા આદિજાતિ લોકનૃત્યની ઝાંખી, રેઈન રન મેરેથોન, વેલકમ પપેટની મસ્તી, યુવાનો-બાળકો દ્વારા અવનવા કરતબો સહિત તિરંગા સાથે પરેડમાં એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ સાથે ઉત્સાહભેર જોડાયેલા શાળાના બાળકોને સાંસદશ્રી, પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી સહિતના મહાનુભાવોએ SOU અને ટુરિઝમ વિભાગ દ્વારા આયોજિત ફેસ્ટિવલમાં ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કરીને શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારોએ નર્મદા અષ્ટકમની, અજોડ-અમૂલ્ય રાજસ્થાની પરંપરાગત નૃત્ય, આદિવાસીઓની લોકકલાને ઉજાગર કરતા સાંસ્કૃતિક નૃત્ય સહિતની અવનવી કૃતિઓની ઝલક પ્રસ્તુત કરી હતી. પ્રતિભાશાળી કલાકારોની આ કૃતિઓને નિહાળતા મહાનુભાવો અભિભૂત થયા હતા. અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. સાગબારાના યાહામોગી માતા ગૃપ સાગાબાર આદિવાસી નૃત્યના હૈરતભર્યા કૌવત નિહાળી દર્શકો અચંબામાં પડી ગયા હતા.

મોન્સૂન ફેસ્ટિવલનો શુભારંભ કરાવતા સાંસદ સહિતના મહાનુભાવોએ આર્ટ ગેલેરી ખાતે એકતાનગર ખાતેના અનેકવિધ શારદાર પ્રકલ્પોની માહિતીસભર તસ્વીરી પ્રદર્શન નિહાળી હતી. ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાનકીવાવ, સોમનાથ મંદીર, મોઢેરાનું સૂર્યમંદીર અને વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા સહિતના પર્યટન સ્થળોને ‘૫-ડી એક્સપીરિયન્સ’ વર્ય્ચુઅલી નિહાળીને ‘અતિથિ વિશેષ’ અભિભૂત થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોન્સૂન ફેસ્ટિવલમાં બાળકો, પર્યટકો માટે ભારત દેશ અને આદિજાતિ સમુદાયની વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસા, લોકનૃત્ય સહિત અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મનોરંજક પ્રવૃતિઓનું આયોજન કરાશે જ્યાં આજરોજ આદિજાતિ સમુદાયની પરંપરાગત વાંસની બનાવટ-હસ્તકલાની ‘એક સે બઢ કર એક’ કારીગરીથી તૈયાર થયેલી વસ્તુઓને નિહાળીને સાંસદએ સખીમંડળની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના સીઈઓ ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ અધિક કલેક્ટર હિમાંશુ પરીખ, પ્રવાસન વિભાગના જનરલ મેનેનજર પ્રોજેક્ટ હિરેન પંડિત, નાયબ કલેક્ટરશ્રી શિવમ બારીયા, દર્શક વિઠલાણી, પ્રોટોકોલ નાયબ કલેક્ટર એન.એફ.વસાવા, ટીસીજીએલ મેનેજર સુશ્રી ખ્યાતિ નાયક, નાયબ માહિતી નિયામક એ.બી.મછાર સહિત જિલ્લા વહિવટી તંત્ર-ઓથોરિટીના સંબંધિત અધિકારીઓ, બાળકો, પ્રવાસકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

વિડીયો જર્નાલિસીટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: