મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક માતાએ તેના પ્રેમી સાથે મળીને 3 વર્ષના પુત્ર જતીન રાઠોડને છત પરથી ફેંકીને મારી નાખ્યો છે. ત્રણ વર્ષના સની ઉર્ફે જતીન રાઠોડને શું ખબર કે તે 9 મહિના જેના પેટમાં રહ્યો છે તે માતા ઉઠીને તેના જીવનની દુશ્મન બની જશે. ગ્વાલિયર જિલ્લાના પોલીસ કોન્સ્ટેબલ ધ્યાન સિંહની પત્ની જ્યોતિ રાઠોડને તેના પાડોશી ઉદય ઈંડૌલિયા સાથે લગ્નેત્તર સંબંધો હતા. 28 એપ્રિલના રોજ તેમણે પોતાના ત્રણ વર્ષના પુત્રને પોતાના ઘરની છત પરથી નીચે ફેંકી દીધો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ નિર્દોષનો દોષ એટલો બધો હતો કે તેણે તેની માતાને તેના પ્રેમીના બાહુપાશમાં જોઈ. આથી જ્યોતિને લાગ્યું કે તેનો પુત્ર તેના પ્રેમ સંબંધ વિશે તેના પતિને બધું જ કહી દેશે. આ વાતથી ગભરાઈને તેણે સની ઉર્ફે જતીનને બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. બે માળેથી પડી જવાથી બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી તેનું હોસ્પિટલમાં મોત થયું હતું.
પરિવારના સભ્યો અને પોલીસ કોન્સ્ટેબલ ધ્યાનસિંહ તો એવું માની રહ્યા હતા કે તેમનો પુત્ર અજાણતાં પગ લપસી જવાને કારણે નીચે પડી ગયો હશે અને તેનું મોત નીપજ્યું હતું. પરંતુ થોડા દિવસ બાદ આખરે જ્યોતિએ પોતાના પતિ સામે પોતાનું પાપ કબૂલ કરી લીધું હતું. પતિએ બધું સહન કર્યું અને તેનો ઓડિયો અને વીડિયો રેકોર્ડ કર્યો. ત્યારબાદ અરજી સાથે પુરાવા થથીપુર પોલીસને સોંપ્યા હતા. આ અંગે કાર્યવાહી કરતાં પોલીસે તે સમયે જ્યોતિ રાઠોડની ધરપકડ કરી હતી. હવે તેના બોયફ્રેન્ડ ઉદય ઈન્ડોલિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. ઘટના સમયે ઉદય પણ અગાશી પર હાજર હતો.