શ્રાવણ વદ સાતમથી ભરાતો મેળો
મેઘરાજાના મેળાની તડામાર તૈયારી શરૂ.
પાંચબત્તીથી સોનેરી મહેલ સુધી ઉત્સવ મેળો
ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે શ્રાવણ વદ સાતમથી ભરાતા મેઘરાજા અને છડી ઉત્સવનાના મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ભરૂચ શહેરમાં પાંચબત્તીથી લઇ સોનેરી મહેલ સુધી મેઘરાજા અને છડી ઉત્સવનો મેળો ભરાય છે. આ પાંચ દિવસના મેળામાં રાજ્યભરમાંથી મહાલવા લોકો ઉમટી પડે છે. વર્ષોથી ભરાતા મેળાનું સૌથી વધુ મહત્વ ભોઈ સમાજમાં રહેલુ છે. જેમાં નોમના દિવસે છડીનોમ વધુ અગત્યતા ધરાવે છે. આ દિવસે છડીનું પૂજન કરવામાં આવે છે. બાદમાં શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે. ભોઈવાડમાં પ્રતિવર્ષ મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે. ચાલુ વર્ષે મેઘરાજાની પ્રતિમા તૈયાર કરી દેવામાં આવી છે. ઘોઘારાવના દર્શન કરી મેઘરાજાની ભોઈ સમાજ પૂજા કરી ઉજવણી કરે છે. હાલમાં મેળાની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ સિટી સર્વેની કચેરી દ્વારા સ્ટોલની ફાળવણી પૂર્ણ થઇ જતા મેળામાં વેપાર-ધંધો કરી રોજગારી રળવા આવતા લોકોએ વિવિધ ચીજવસ્તુઓ સાથે વેપાર કરવાની તૈયારીઓ શરૂ કરી છે. પૌરાણિક મેળાને લઇ વહીવટી તંત્ર પણ તૈયારીઓમાં લાગી ગયું છે. શહેરનાં પાંચબત્તીથી સોનેરી મહેલ વિસ્તારમાં ભરાતા મેળામાં પાંચ દિવસમાં મેળો મહાલવા શહેર તેમજ જિલ્લાની પ્રજા ઉપરાંત રાજ્યનાં અન્ય વિસ્તારોમાંથી બે થી ત્રણ લાખ લોકો ઉમટી પડતા હોય કાયદો વ્યવસ્થા તેમજ લોક આરોગ્ય જાળવવા માટે તંત્ર તકેદારીનાં પગલા ભરી રહ્યું છે.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ