કલોલમાં શુક્રવારે સાંજે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના વર્ધમાન નગરમાં આવેલ રોયલ એપાર્ટમેન્ટ પાસે જીઇબીના થાંભલા પરથી જીવંત વાયર તૂટી પડયો હતો. વાયર નીચે પસાર થઇ રહેલા પંકજભાઈ શાહ પર પડતા ઘટના સ્થળે તેમનું મૃત્યુ થયું હતું. બનાવને પગલે મૃતકના પરિજનોએ જીઈબી પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. ઘટનાને પગલે આસપાસમાં ચકચાર મચી ગઈ હતી.
કલોલમાં ગુજરાત વિદ્યુત બોર્ડ વિરુદ્ધ ફરિયાદો વધી છે. વારંવાર વીજ કાપ, યોગ્ય મેન્ટેનન્સ ન કરવું તેમજ કમ્પ્લેન નોંધાવવા પર સમયસર તેનો નિકાલ નહીં કરવાને કારણે લોકોનો રોષ આસમાને પહોંચ્યો છે. જીઇબીની ગંભીર લાપરવાહીના કારણે એક નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
કલોલના રોયલ એપાર્ટમેન્ટ પાસે ગત સાંજે ૭થ૩૦ વાગ્યે જીઈબીનો જીવંત વાયર તૂટી પડયો હતો. જે કારણે ત્યાંથી પસાર થઈ રહેલા પંકજભાઈ શાહને કરંટ લાગતા તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પરિવારજનોએ જીઇબી વિરુદ્ધ આક્ષેપ કરી મૃત્યુ બદલ જીઇબીને જવાબદાર ગણાવી હતી. જીવંત વાયર જે થાંભલા પરથી તૂટીને નીચે પડયો હતો ત્યાં છેલ્લા બે દિવસથી શોર્ટ સકટ થતું હતું. આ બાબતે સ્થાનિકોએ જીઇબીમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આમ છતાં યુજીવીસીએલ દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નહોતું તેમ લોકોએ આક્ષેપ કર્યો છે.
જીઇબી દ્વારા ઝડપથી ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવ્યું હોત તો નિર્દોષ વ્યક્તિનો જીવ બચી જાત તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. કલોલમાં ઝાડ પાસે જ વીજળીના વાયરો પસાર થતા હોવાથી તૂટી પડવાની તેમજ કરંટ લાગવાની શક્યતા રહે છે. આ સંજોગોમાં તંત્ર જાગે અને નક્કર પગલા ભરે તેવી માંગ થઈ રહી છે.