અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક કરાયા બાદ હવે આજે રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિયુક્તિ કરાશે. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં મેયર, ડેપ્યુટી મેયર, શાસકપક્ષના નેતા સહિતના પદાધિકારીઓની વરણી કરાશે. આજે મહાનગરપાલિકાની સભામાં હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે નવા નામની જાહેર કરવામાં આવશે. રાજકોટ મનપાના મેયર માટે 5 ઉમેદવારોના નામ ચર્ચામાં છે. જેમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળાનું નામ સૌથી આગળ ચાલી રહ્યં છે. જ્યોત્સાનાબેન ખોડલધામ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. તો વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ડૉ.દર્શનાબેન પંડ્યા, વોર્ડ નંબર 4ના કોર્પોરેટર નયનાબેન પેઢડિયા, વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ભારતીબેન પરસાણા અને વોર્ડ નંબર 14ના કોર્પોરેટર વર્ષાબેન રાણપરાનું નામ ચર્ચામાં છે.
ભાવનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. ભાવનગરના નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. ભાવનગરના નવા મેયર તરીકે ભરત ચુડાસમા, બાબુભાઇ મેર, લક્ષ્મણ રાઠોડ અને ભારતી બેન મકવાણાનું નામ ચર્ચામાં છે. જ્યારે ડેપ્યુટી મેયર માટે ભાવનાબેન દવે, યોગીતાબેન ત્રિવેદી, મોનાબેન પારેખ, વર્ષાબા પરમારનું નામ ચર્ચામાં છે. સાથે જ સ્ટેન્ડિંગ ચેરમેન ઉપેન્દ્રસિંહ ચુડાસમા, રાજુ રાબડિયા, ભાવેશ મોદીનું નામ ચર્ચામાં છે.
જામનગર મહાનગરપાલિકાના પણ નવા હોદ્દેદારોની આજે નિમણૂંક કરવામાં આવશે. ભાજપ નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદ દ્વારા ભલામણ કરવામાં આવેલા નામોની એક યાદી બનાવવામાં આવી હતી. જે યાદીને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક રજૂ કરવામાં આવી હતી. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ પ્રદેશ મોવડી મંડળે હોદ્દાદારોના નામ પર મહોર લગાવી દીધી હતી. ત્યારે હવે આજે જામનગર મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરવામાં આવશે.
સુરતના મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનના નામોની જાહેરાત થશે. મેયરપદ માટે અશોક રાંદેરિયા, દક્ષેશ માવાણી, રાજુ જોળીયાના નામ ચર્ચામાં છે. જ્યારે ડે.મેયર માટે ઉર્વશી પટેલ, નેન્સી શાહ, રેશમા લાપસીવાળાના નામ ચર્ચામાં છે. સાથે સ્ટેન્ડિંગ ચેરમેન માટે દિનેશ રાજપુરોહિત, રોહિણી પાટીલના નામો ચર્ચામાં છે.