સુરતના નવા મેયર દક્ષેશ માવાણી સુરતના નવા મેયર બન્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરત મનપાની અઢી વર્ષની ટર્મ સોમવારે પૂર્ણ થતાં મંગળવારે સવારે સરદાર સભાગૃહ ખાતે ખાસ સભા બોલાવવામાં આવી હતી. જેમાં હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
સુરત મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને દંડક તરીકે ધર્મેશ વણીયાવાળાની વરણી કરવામાં આવી છે. આજે ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પક્ષ દ્વારા આપવામાં આવેલા મૅન્ડેટને લઈને સરદાર સભાગૃહ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભાજપના તમામ કોર્પોરેટરો સાથે સંકલન બેઠક કરી હતી. જે બાદ મૅન્ડેટ થકી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડકના નામો જાહેર કર્યા હતા.
સુરત મનપાના હોદ્દેદારોની નિમણૂંક
- સુરત મેયરઃ દક્ષેશ માવાણી
- ડે.મેયરઃ નરેશ પાટીલ
- શાસક પક્ષના નેતાઃ શશીબેન ત્રિપાઠી
- સુરત મનપાના દંડકઃ ધર્મેશ વણીયાવાળા
- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનઃ રાજન પટેલ