પંકજ ચૌધરી ગુજરાત ભાજપના મંત્રી હતા, તેઓએ પોતાના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓએ એક મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હોવાની વાત ચર્ચાઈ રહી છે. પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું કે તેમનું રાજીનામું લેવાયું તે અંગે પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના સૂત્રોમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે તેમનું રાજીનામું લેવામાં આવ્યું છે, તો કોઈ કહી રહ્યું છે કે તેમણે એક મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હતું.
ગુજરાતના ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની બોડીની અંદર બે મહામંત્રીઓ ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ હવે મંત્રી પંકજ ચૌધરીએ પણ રાજીનામું આપી દીધું છે. સૌથી મોટા હોદ્દા પર રહેલી આ ત્રીજી વ્યક્તિનું રાજીનામું પડ્યું છે. ગત ઓગસ્ટ મહિનામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું હતું. પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદીપસિંહના અચાનક રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. રજની પટેલે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રદીપસિંહ વાઘેલાએ વ્યક્તિગત કારણોસર ભાજપના પ્રદેશ મહામંત્રીનું પદ છોડ્યું છે. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.