તેલંગાણાના હૈદરાબાદમાં એક રેસ્ટોરન્ટમાં બિરયાની સાથે એક્સ્ટ્રા રાયતું માંગવા પર ગ્રાહકને માર મારવામાં આવ્યો. વાસ્તવમાં, લિયાકત નામનો વ્યક્તિ તેના મિત્રો સાથે પંજાગુટ્ટા વિસ્તારમાં મેરીડિયન રેસ્ટોરન્ટમાં બિરયાની ખાવા ગયો હતો. આ દરમિયાન લિયાકતે રેસ્ટોરન્ટ સ્ટાફ પાસેથી બિરયાની સાથે ખાવા માટે એકસ્ટ્રા રાયતુ માંગ્યુ, જેના કારણે વિવાદ શરૂ થયો. આ પછી લિયાકત, તેના મિત્રો અને રેસ્ટોરન્ટના કર્મચારીઓ વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ.જે બાદ યુવકને રેસ્ટોરેન્ટના કર્મચારીઓએ માર મારી અધમુઓ કરી નાખ્યો હતો અને માર ખાધા બાદ યુવકને છાતીમાં દુખાવો થતા મોત થઈ ગયુ છે.
ઝઘડા બાદ બંને પક્ષોને પંજાગુટ્ટા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા જ્યાં નિવેદન નોંધતી વખતે લિયાકતને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી અને તે ત્યાં પડી ગયો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે પીડિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા વ્યક્તિ લિયાકતની ઉંમર લગભગ 30 વર્ષ હતી અને તે ચંદ્રયાનગુટ્ટાનો રહેવાસી હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તે તેના ત્રણ મિત્રો સાથે મેરિડિયન રેસ્ટોરન્ટમાં બિરયાની ખાવા ગયો હતો જ્યાં એકસ્ટ્રા રાયતુ માંગવાને લઈને વિવાદ થયો હતો અને પછી કર્મચારીઓ સાથે મારપીટ થઈ હતી.