મણિપુરમાં મે મહિનામાં શરૂ થયેલી જાતિય હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 175 લોકોના મોત થયા છે, જ્યારે 1108 લોકો ઘાયલ થયા છે અને 32 લોકો લાપતા છે. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે આ હિંસામાં કુલ 4,786 ઘરોને આગ લગાડવામાં આવી હતી અને 386 ધાર્મિક સ્થળોને નષ્ટ કરવામાં આવ્યા હતા. પોલીસ મહાનિરીક્ષક (ઓપરેશન્સ) આઈ કે મુઇવાહએ જણાવ્યું હતું કે, “મણિપુર હાલમાં જે પડકારજનક સમયનો સામનો કરી રહ્યું છે તે જોતાં, અમે તમને ખાતરી આપી શકીએ છીએ કે કેન્દ્રીય દળ, પોલીસ અને નાગરિક વહીવટ સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે.” મુઇવાહે ગુરુવારે જણાવ્યું હતું કે ” ગુમ થયેલા કે ચોરાયેલા” હથિયારોમાંથી 1,359 હથિયારો અને 15,050 દારૂગોળો મળી આવ્યો છે.