અમદાવાદમાં નવા મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણુંક થઇ છે. જો કે તેમણે પદભાર સંભાળતાની સાથે જ વિવાદોમાં સપડાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં મેયરની ઓફિસ બહાર ભગવા રંગની નેમ પ્લેટ લગાવવામાં આવી છે. વાદળી રંગ પછી હવે મેયરની ઓફિસ બહાર ભગવા રંગની નેમ પ્લેટ લગાવાતા વિવાદ સર્જાયો છે.
મેયરની ઓફિસની સાથે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને નેતાની ઓફિસ બહાર કેસરી રંગની નેમ પ્લેટ લગાવવામાં આવી છે. જેને લઇને વિવાદ સર્જાયો છે. જો કે વધુ વિવાદ તો કેસરી રંગની નેમ પ્લેટ અંગે મેયરને પુછાયેલા સવાલ બાદ વકર્યો છે. કોર્પોરેશનની ઓફિસમાં કેસરી રંગની નેમ પ્લેટ મામલે નવા મેયર પ્રતિભા જૈનને સવાલ પૂછાયો તો નિવેદન આપતા પહેલા તો મેયર નિઃશબ્દ થઇ ગયા હતા.
બાદમાં મેયરે જવાબ આપ્યો કે “ભારતીય જનતા પક્ષનો રંગ પણ ભગવો છે માટે જેથી આ રંગ પસંદ કરાયો છે.” આ પ્રકારના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. આગામી સમયમાં તમામ ચેરમેનની ઓફિસ બહાર કેસરી રંગની નેમ પ્લેટ જોવા મળે તો નવાઈ નહી. આ પહેલા મેયરની ઓફિસ બહાર વાદળી રંગની નામની પ્લેટ જોવા મળતી હતી.