વિસાવદરમાં છેલ્લા 24 કલાકમાં સવા 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે મેંદરડામાં પોણા 8 ઇંચ, રાધનપુરમાં 6.5 ઇંચ, બેચરાજીમાં સવા 6 ઈંચ, વંથલીમાં 6 ઈંચ, મહેસાણા અને ભાભરમાં પોણા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત દિયોદર, બગસરા, ડીસા અને જૂનાગઢમાં સવા 4 ઇંચ વરસાદ પડ્યો છે.સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પોણા 4 ઇંચ, વિસનગર, વડગામ અને માળીયા હાટીનામાં 3.5 ઇંચ, ચાણસ્મા, રાપર, હળવદ અને દાંતીવાડામાં 3.5 ઇંચ, થરાદ અને તાલાલામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો કેટલીક જગ્યાએ નદીઓમાં ઘોડાપૂર આવતા નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
ગુજરાતમાં ચોથા રાઉન્ડના વરસાદ બાદ જળાશયો છલોછલ ભરાયા છે. રાજ્યના 207 ડેમ 93 ટકા ભરાયા છે. રાજ્યના 90 જળાશયોને હાઇએલર્ટ પર મુકાયા છે. જ્યારે 111 જળાશયોમાં 70થી 100 ટકા પાણીનો સંગ્રહ, 30 જળાશયોમાં 50થી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25થી 50 ટકા જળસંગ્રહ અનેફક્ત 14 જળાશયોમાં 25 ટકા કરતા ઓછો જળસંગ્રહ થયો છે.
ગુજરાતમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 27 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 63 જળાશયો મળી કુલ 90 જળાશયો હાઈએલર્ટ પર છે. જ્યારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 28 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 20 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.