Satya Tv News

વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. જોકે કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઈન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક સંદેશ પોસ્ટ કર્યો છે. સંદેશમાં લખ્યું હતું, ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ માહિતી: ઓપરેશનલ કારણોસર ભારતીય વિઝા સેવાઓ ગુરુવાર (21 સપ્ટેમ્બર 2023) થી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.

આ તરફ એક ભારતીય અધિકારીએ સસ્પેન્શનની પુષ્ટિ કરી હતી પરંતુ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે તેમણે આ અંગે વિગતવાર માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, નોટિસમાં બધું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. કોરોના પીરિયડ પછી આ પ્રથમ વખત છે, જ્યારે ભારતે કોઈપણ દેશના નાગરિકો માટે વિઝા સેવાઓ બંધ કરી છે. બુધવારે મોડી રાત્રે આ જાણકારી સામે આવી છે. આ પહેલા બુધવારે ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરીને કેનેડા જનારા લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. એવા કોઈ પણ વિસ્તારમાં ન જશો જ્યાં કોઈ ભારત વિરોધી ઘટના બની હોય અથવા એવું કંઈક બનવાની સંભાવના હોય.

આ એડવાઈઝરી કેનેડા સ્થિત ભારતીય હાઈ કમિશનની વેબસાઈટ પર પણ જાહેર કરવામાં આવી છે. ભારતે એમ પણ કહ્યું કે, કેનેડામાં હેટ ક્રાઇમમાં વધારો થયો છે અને ત્યાં જતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. ભારતની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ‘કેનેડામાં અપરાધ, ભારત વિરોધી ગતિવિધિઓ અને નફરતના ગુનાઓમાં વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને તમામ ભારતીયોને કેનેડાના એવા વિસ્તારોની મુલાકાત લેતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે જ્યાં ભારત વિરોધી ઘટનાઓ બની હોય. એટલું જ નહીં, ભારત સરકારે કહ્યું છે કે અમારા અધિકારીઓ કેનેડામાં રહેલા લોકોના સંપર્કમાં રહેશે. કોઈપણ સમસ્યા માટે તાત્કાલિક સંપર્ક કરી શકાય છે અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.

કેનેડાએ હવે ભારતમાં હાઈ કમિશનમાંથી તેના કેટલાક રાજદ્વારીઓને પાછા બોલાવવાનું શરૂ કર્યું છે. તેમનું કહેવું છે કે ભારતમાં અમારા રાજદ્વારીઓ જોખમમાં હોઈ શકે છે અને તેમને ધમકીઓ પણ મળી છે. આવી સ્થિતિમાં અમે સ્ટાફ ઓછો કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે તેમણે જ અગાઉ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. આ સિવાય સૌથી પહેલા એક ભારતીય રાજદ્વારીને કેનેડા છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જવાબમાં ભારતે પણ આવી જ કાર્યવાહી કરી હતી.

error: