હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના 17થી વધુ તાલુકાઓમાં વરસાદની આગાહી છે. આ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. જોકે, હાલ રાજ્યના એક પણ જિલ્લામાં રેડ અલર્ટ નથી.
બંગાળની ખાડીમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું હતું અને હવે તે લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ લો-પ્રેશર એરિયા બન્યા બાદ આગળ વધશે અને તે ફરી ગુજરાત કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાવે તેવી શક્યતા જણાઈ રહી છે. ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. તા. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે.
ચોમાસાના ચોથા રાઉન્ડના વરસાદથી ચાલુ સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં અત્યાર સુધીમાં 168.84 એમ એમ વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદની ટકાવારી 100 ટકાથી પણ વધી ગઈ છે. ચોમાસાના ભારેથી અતિભારે વરસાદના પગલે રાજ્યના પૂર પ્રભાવિત નવ જિલ્લામાંથી 19,360 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે અત્યાર સુધીમાં 1076 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.