રાજકોટના સર્વેશ્વર ચોકમાં આવેલા ફૂડ બજારમાં ગઈકાલે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ફૂડ બજારમાં આવેલા વોકળા ઉપરનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. અચાનક સ્લેબ તૂટવાથી લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી, તો કેટલાક લોકો સ્લેબ તૂટવાથી નીચે ખાબક્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થાનિક લોકોની સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઘટનાને પગલે સ્થાનિક નેતાઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાસંદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, ધારાસભ્ય ઉદય કાનગડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દુર્ઘટનાને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શહેર ભાજપના અગ્રણીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. સમગ્ર દુર્ઘટનામાં એક ભાવનાબેન ઠક્કર નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે 10થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.