પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં આવેલા તળાવમાં આજે વહેલી સવારે બાળકો રમતા રમતા ન્હાવા પડ્યા હતા. મોજ મસ્તી કરતા બાળકોને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે હવે તેઓ ચારેય જણા સાથે ક્યારેય નહીં મળી શકે. મોજ મસ્તીમાં તેઓ તળાવમાં ન્હાવા તો પડ્યા પરંતુ વરસાદને કારણે તળાવમાં વધારે પાણી હોવાથી ચારેય બાળકો એકાએક તળાવમાં ડૂબી ગયા હતા.
આ ચકચારી ઘટનાને પગલે ઘટના સ્થળે ગામવાસીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તળાવમાં બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ચારેય બાળકોના મૃત હાલતમાં તળાવમાંથી મળી આવ્યા હતા. તરવૈયાઓએ ચારેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા છે.તમામ બાળકોની ઉંમર અંદાજે 10થી 12 વર્ષ છે. તળાવમાં ડૂબી જવાથી એકસાથે 4 બાળકોના મૃત્યુ થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો છે. મહત્વનું છે કે અત્યારે વરસાદી માહોલ હોવાથી તળાવ તથા નદીઓમાં પાણીની આવક થવા પામી છે. આવા સમયે અજાણ્યા સ્થળે ગયા હોવ તો ત્યાં પાણીમાં ન્હાવા પડવાની ભૂલ ક્યારેય ન કરવી.