અમદાવાદમાં ઓનલાઈન પાર્ટી ડ્રગ્સ મંગાવવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. વિદેશમાં બેઠેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દેશના અલગ અલગ ભાગોમાં નવી જ મોડસ ઓપરન્ડી દ્વારા ડ્રગ્સ મોકલતા હોવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. ડ્રગ્સ પેડલરો પુસ્તકોના પાના કૉકેઇનમાં પલાડી નશાકારક બનાવી પુસ્તકો ઈન્ટરનેશનલ કુરિયર મારફતે મંગાવવામાં આવતા હતા, કૉકેઇન યુક્ત પુસ્તકોના પાના કાપીને ઉપયોગમાં લેવાતા હોવાનો ખુલાસો થયો છે.
ડાર્ક વેબનો ઉપયોગ કરી ઇન્ટરનેશનલ કુરિયરોથી ડ્રગ્સની ડિલિવરી થતી હોવાનું સામે આવ્યું છે. આ પુસ્તકોને આંતરરાષ્ટ્રીય કુરિયર કંપનીના ગોડાઉનમાંથી પકડવામાં આવ્યા છે. ગોડાઉનમાંથી ગુજરાતના સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે મોટા પ્રમાણમાં પુસ્તકો જપ્ત કર્યા છે. ડાર્ક વેબ મારફતે ડ્રગ્સ મંગાવીને તેનું પેમેન્ટ ક્રિપ્ટો કરન્સી અને ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતું હોવાનો પણ ખુલાસો થયો છે. ગુજરાતના સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે ડ્રગ્સ પેડલર અને ડ્રગ્સ ખરીદનારાઓને ટ્રેસ કરી લીધા છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થતાં પોલીસ પણ હચમચી ગઈ છે. હાલ સમગ્ર મામલે પોલીસ, સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગ વધુ તપાસ કરી રહ્યું છે.