મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે કહ્યું કે, CBIએ બે મણિપુરી વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને સરકાર તેમને મહત્તમ સજા સુનિશ્ચિત કરશે. મુખ્ય આરોપીની પત્ની સહિત ચારેયને સ્પેશિયલ ફ્લાઈટમાં રાજ્યની બહાર લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ કુકી સમાજના સંગઠનોએ આ ધરપકડોને અપહરણ ગણાવીને વિરોધ કર્યો છે. તેઓએ રવિવારે રાત્રે ચુરાચંદપુર પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ 1 ઓક્ટોબરથી ચુરાચંદપુરના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ સમયગાળા માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે.
મણિપુરના માન્ય આદિવાસી જૂથ ITLF એ ધરપકડના વિરોધમાં સોમવારે સવારે 10 વાગ્યાથી ચુરાચંદપુર જિલ્લામાં અનિશ્ચિત હડતાળનું આહ્વાન કર્યું હતું અને સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે તેઓને 48 કલાકની અંદર મુક્ત કરવામાં આવે. ચુરાચંદપુર સ્થિત જોઈન્ટ સ્ટુડન્ટ બોડી (JSB) એ પણ સોમવારે સવારે 6 વાગ્યાથી જિલ્લામાં 12 કલાકના બંધનું આહ્વાન કર્યું છે.
મણિપુરના પહાડી જિલ્લાઓમાં 3 મેના રોજ ‘આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કર્યા બાદ ફાટી નીકળેલી જાતિ હિંસામાં અત્યાર સુધીમાં 180થી વધુ લોકોના મોત થયા છે. આ હિંસામાં 3 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. હિંસા પર કાબૂ મેળવવા અને રાજ્યમાં સ્થિતિ સુધારવા માટે મણિપુર પોલીસ ઉપરાંત લગભગ 40 હજાર કેન્દ્રીય સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જો કે આ પછી પણ મણિપુરમાં હિંસા અટકી રહી નથી.